Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો શુભારંભ : તોરણ ઓન વિલ્સનું લોકાર્પણ કર્યુ

નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં અંદાજે 5 કરોડનો ખર્ચ કરાયો

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબરથી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે. આ પહેલાં સીએમ રૂપાણીએ તોરણ ઓન વિલ્સનું લોકાર્પણ કર્યુ હતું. જીએમડીસી ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ દર વર્ષે અલગ થીમ સાથે યોજાય છે.

   આ વર્ષે આદ્યશક્તિની સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અઢીસોથી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ સાથે ગુજરાતની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ વિષયો પર આધારિત પ્રવેશદ્વારનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં વડનગરનું કીર્તિતોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી મેમોરિયલ, સોમનાથ મંદિર, ધોળાવીરા, ગીર નેશનલ પાર્ક અને અમદાવાદના ત્રણ દરવાજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 9 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં અંદાજે 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત વિવિધ થીમ પર આધારિત વિવિધ કક્ષાની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2018માં એક અંદાજ મુજબ ૬ લાખથી વધારે લોકોએ નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતા અને 17 લાખ લોકો ગરબે ઘૂમ્યા હતા. જ્યારે સિક્યુરિટી કક્ષને જૂની સિવિલ હોસ્પિટલ અને તબીબ કક્ષને નગીના વાડીનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે વિશેષ કક્ષને સીદી સૈયદની જાળીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

    આ વર્ષે પહેલી વાર નવરાત્રી મહોત્સવમાં સિવિક સેન્ટર, પોલીસ સ્ટેશન અને ટીવી સ્ટુડિયોની થીમ પર બનાવવામાં આવેલી બાળ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યાં બાળકોને મનોરંજન માટે અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે ખાસ ખાણીપીણી માટે ૨૫ જેટલા ફૂડ સ્ટોલની પણ સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી હસ્તકળા અને તેના કાર્યકરોની પ્રોત્સાહન આપવાના હેતુથી અહીં 75 સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

(11:39 pm IST)