Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમદાવાદમાં સીઝનમાં હજુ સુધીમાં ૮૩૬ મીમી વરસાદ

સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ રહ્યો : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા : નવરાત્રિ સ્થળો, ગ્રાઉન્ડો ખાતે પાણી ભરાયા : ગરબાના કાર્યક્રમો અટવાયા

અમદાવાદ,તા. ૨૯ : અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમાં દિવસે પણ વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. અમદાવાદમાં હજુ સુધી સીઝનમાં ૮૩૬ મીમી સુધીનો વરસાદ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. વાદળછાયા અને કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસાવાવનું ચાલુ રાખ્યું હતું. એક તો, આજે માં આદ્યશકિતના પવિત્ર પર્વ નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા પાંચ દિવસના વરસાદના કારણે લોકો જાણે હવે કંટાળ્યા છે. ખાસ કરીને નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની મજા બગડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત રાસ-ગરબાના કાર્યક્રમો વરસાદી પાણીમાં જાણે ધોવાઇ ગયા છે કારણ કે, રાસગરબાના સ્થળો કે, ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. શહેરમાં આજે પણ સતત વરસાદી માહોલના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

              શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયાની સૌથી વધુ અને વ્યાપક ફરિયાદો સામે આવી હતી. તો, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટવાની, ખાડાઓ-ભૂવાઓ પડવાની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી. આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતુ. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યું હતું. વચ્ચે વચ્ચે સૂર્યનારાયણ દેવતા કયાંક દેખા દેતા હતા પરંતુ ત્યારબાદ ફરી એકવાર કાળાડિબાંગ વાદળો આકાશમાં ઘેરાઇ જતા હતા. બપોર સુધીમાં તો ફરી એકવાર વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા હતા.

                  શહેરના પૂર્વ અને પશ્ચિમના તેમ એસજી હાઇવે અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પણ મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તે પ્રકારે વરસાદ વરસાવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો, ભારે  વરસાદના ઝાપટાં નોધાતાં ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને વિરમગામ, માંડલ, ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદને લઇ પાણી ભરાઇ ગયા હતા. તો, હવામાન ખાતાની આગાહીને પગલે હજુ આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શકયતા હોઇ નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની ચિંતા વધી છે અને સૌકોઇ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.  અમદાવાદમાં લોકો વરસાદથી હવે પરેશાન થયા છે.

(9:03 pm IST)