Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

નીતિનભાઈ પટેલનું હિંદુત્વવાળું નિવેદનથી વજુભાઇ વાળાએ છેડો ફાડ્યો : કહ્યું -હું કોઈના સ્ટેટમેન્ટના વખાણ કે ટીકા કરતો નથી

અફઘાનિસ્તાનમાં જે થયું એ અંગે સરકાર ચિંતિત છે. સરકાર એ વિચારે છે કે, હવે કેવા પગલાં ભરવા જોઈએ. આ માટે ભારત સરકાર એક ખાસ પોલીસી નક્કી કરશે

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં કૃષ્ણ જન્માષ્ટમીની શાભાયાત્રા થકી ઉજવણી કરવામાં આવી રહી છે. 37મી રથયાત્રા કોવિડની ગાઈડલાઈન્સને ચુસ્તપણે અનુસરીને યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નીતિન પટેલનું નિવેદન એ એમનું વ્યક્તિગત નિવેદન છે.હું કોઈના સ્ટેટમેન્ટના વખાણ કે ટીકા કરતો નથી.

અફઘાનિસ્તાનમાં જે થયું એ અંગે સરકાર ચિંતિત છે. સરકાર એ વિચારે છે કે, હવે કેવા પગલાં ભરવા જોઈએ. આ માટે ભારત સરકાર એક ખાસ પોલીસી નક્કી કરશે. શોભાયાત્રામાં ભાગ લેવા માટે આવેલા વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના વાયરસના કેસ વધતા યાત્રા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે નિયમ અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં જ યાત્રા નીકળી છે અને પૂર્ણ થઈ છે. દર વર્ષે 50થી 60 આકર્ષક ફ્લોટ્સ રાખવામાં આવે છે. પણ આ વખતે સંક્રમણ ન ફેલાય એ માટે માત્ર મુખ્યરથ અને પાંચ અન્ય વાહનોને જોડાયા છે.

નીતિનભાઈ  પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, હિન્દુઓની સંખ્યા ઘટી એ દિવસથી કોર્ટ કચેરી નહીં કોઈ કાયદો નહીં રહે. લઘુમતીમાં હિન્દુ આવી જશે તો કશુ બાકી નહીં રહે. લોકશાહી નહીં રહે. બંધારણ નહીં રહે બધુ હવામાં ઊડી જશે. દફનાવી દેવામાં આવશે. ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ વખતે તેમણે આ નિવેદન આપ્યું છે. જેના પર રાજકીય માહોલ ગરમાયો છે.

વિપક્ષ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, વર્ષ 2022માં ભાજપની હાર નિશ્ચિત છે. નીતિનભાઈએ ભાગલા પાડો અને રાજ કરોની શરૂઆત કરી છે. તમામ ધર્મના લોકો થકી રાજ ચલાવવામાં આવ્યું છે. આવા એલફેલ નિવેદન લોકશાહીને સમાપ્ત કરવા માટે આપી રહ્યા છે. જોકે, આ મામલે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. સમર્થન આપતા કેટલાક લોકોએ હેશટેગ પણ તૈયાર કર્યા હતા. બીજી તરફ 60થી વધારે ઉંમર ધરાવતા નેતાને ટિકિટ અપાશે એવી ભાજપ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કમલમમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, જૂના જોગી, પક્ષ પલટુઓને ટિકિટ આપવાની હોય, તો શું અમારે પોસ્ટર ચોંટાડવાના- ભીડ ભેગી કરવાની અને ખુરશીઓ ગોઠવવાની. પાટીલે કેટલાય દાવેદારોને મેદાને આવતા અટકાવી દીધા છે.

(3:53 pm IST)