Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદ : ચિકનગુનિયા-ડેન્ગ્યૂથી એક જ સપ્તાહમાં ૧૦ દર્દીઓનાં મોત

શહેરની ૩૦ જેટલી મોટી ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓનો ધસારો

અમદાવાદ : શહેરની ૩૦ જેટલી મોટી ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુના કેસોનો ધસારો થવા માંડયો છે, સપ્તાહમાં જ ૧૫૦૦ જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ એક જ સપ્તાહમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુથી દસ જેટલા દર્દીનાં મોત થયાં છે, તેમ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ડેન્ગ્યુ કરતાં ચિકન ગુનિયાના કેસ વધારે છે અને પહેલી વાર ચિકન ગુનિયાના કેસોમાં ફેફસાંને લગતી જુદી જુદી સમસ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, અગાઉ આવું જોવા મળ્યું નથી.

અમદાવાદ શહેરમાં વાઈરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી, તાવ, ઠંડી સાથે તાવ, ચિકન ગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગે માથું ઊંચક્યું છે. શહેરના નાના મોટા ખાનગી ક્લિનિકો, સરકારી હોસ્પિટલો આવા દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. શહેરની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં દર રોજ ઓપીડીમાં ૩૦થી ૪૦ જેટલા કેસ ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના નોંધાઈ રહ્યા છે, ચિકન ગુનિયામાં સાંધા જુકડાઈ જવાના કારણે જે તે દર્દીઓને સંપૂર્ણ આરામ કરવાની નોબત આવી છે, ચિકન ગુનિયામાં પહેલી વાર લંગ્સ કોમ્પ્લિકેશન સામે આવી રહ્યા છે, આવું પહેલી વાર છે. કોરોના પછી ફરી વાર ખાનગી હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફની દોડધામ વધી ગઈ છે. બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ રોગચાળાના રોજના ૩ હજારથી ૩૫૦૦ કેસ નોંધાઈ રહ્યા છે, જે પૈકી ૧૫૦થી વધુ બાળ દર્દીઓ સામેલ છે, બાળકોમાં ઝાડા ઉલટીના કેસોએ પણ માથું ઊંચક્યું છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં રોજના ૨૨૦૦ જુદા જુદા રોગના દર્દી નોંધાઈ રહ્યા છે. કેસ કઢાવવા માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ સિવિલમાં ૭૯ ડેન્ગ્યુ, ૨૪ ચિકન ગુનિયા, ૧૨ મેલેરિયાના કેસ સામે આવ્યા છે, આ સિવાય શંકાસ્પદ કેસ મોટી સંખ્યામાં સામે આવ્યા છે. મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાએ અચાનક માથું ઊંચકતાં તબીબો-સ્ટાફની દોડધામ વધી ગઈ છે.

(12:41 pm IST)