Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

નર્મદા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલને LCB પોલીસે કાવી કંબોઈના આશ્રમમાંથી ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે 25 ઓગષ્ટે તિલકવાડા તાલુકાના જેતપુર ગામની 30 વર્ષીય યુવતીએ બળાત્કાર ની ફરિયાદ નોંધાવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે બળાત્કારનો કેસ નોંધાયા ના ચાર દિવસ બાદ નર્મદા LCB એ હિરેન પટેલને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ પર 30 વર્ષીય આદિવાસી યુવતીએ બળાત્કારનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરવા તિલકવાડા પોલીસ મથકમાં અરજી કરી હતી.તે છતાં ફરિયાદ ન નોંધાતા આદીવાસી સમાજ માં ભારે રોષ ફેલાયો હતો.જો કે આ બાબતે આદીવાસી સમાજની મહિલા આગેવાનો મેદાનમાં આવતા પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ નોંધાયા બાદ હિરેન પટેલ ફરાર થઈ ગયો હતો માટે હિરેન પટેલને ઝડપી પાડવા નર્મદા જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પોલીસે અલગ અલગ ટિમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તે છતાં હિરેન પટેલ ન પકડાતા પોલીસ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નિવેદનો કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો.
જો કે આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા એલસીબી પી.આઈ.અલ્પેશ પટેલ ની ટીમે હિરેન પટેલને 28 મી ઓગષ્ટે મોડી સાંજે ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ના એક આશ્રમ માંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ હિરેન પટેલ અને તેના પરીવાર ના તમામ મોબાઈલ બંધ હોવાથી તેનું લોકેશન જાણવું મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ એલસીબી પી.આઈ. અલ્પેશ પટેલે આખરે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
આશ્રમમાં આશરો આપનારને ખબર ન હતી કે હિરેન પટેલ બળાત્કારનો આરોપી છે?
નર્મદા LCB એ બળાત્કારના આરોપી નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલને ભરૂચ જિલ્લાના કાવી કંબોઈના એક આશ્રમ માંથી ઝડપી પાડ્યો હતો.ત્યારે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હિરેન પટેલ ચકચારી આદીવાસી યુવતી સાથે બળાત્કારનો આરોપી છે.તો શું આશ્રમમાં આશરો આપનારને એ ખબર નહોતી કે હિરેન પટેલ બળાત્કારનો આરોપી છે. ખબર હોવા છતાં જો આશરો આપ્યો હોય તો એ પણ ગુનો બને છે.નર્મદા પોલીસ એ આશ્રમના સંચાલકની પણ પૂછતાછ હાથ ધરશે એમ જાણવા મળ્યું છે.

(11:25 pm IST)