Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શાળામાં રાખડી કઢાવવાના મામલે તપાસનો હુકમ થયો

ગાંધીનગર ડીઇઓ ટીમે શાળાની મુલાકાત લીધી : રક્ષાબંધનમાં વિદ્યાર્થીઓના કાંડા પર બંધાયેલી રાખડીઓ કઢાવવામાં આવી હતી : સ્કુલ સંચાલકનો ખુલાસો મંગાયો

અમદાવાદ,તા. ૨૯ : ગાંધીનગરના સેક્ટર-ર૧માં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં શિક્ષક દ્વારા કલાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓનાં કાંડા પર રક્ષાબંધનના તહેવારમાં બાંધેલી રાખડીઓ કઢાવી દેવાના બનાવમાં શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસના આદેશો જારી કર્યા છે. એટલું જ નહી, આજે ગાંધીનગર ડીઈઓની એક ટીમ શાળાની મુલાકાતે પહોંચી હતી અને ત્યાં સમગ્ર પ્રકરણમાં જરૂરી પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે  ગાંધીનગર સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલના શાળા સંચાલકનો ખુલાસો માગવામાં આવ્યો છે. રક્ષાબંધન પર્વમાં પ્રેમથી ભાઇના કાંડે બહેન દ્વારા રાખડી બાંધવામાં આવે છે. પરંતુ ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં બહેન અને સમગ્ર સમાજના સ્નેહ અને લાગણીના બંધન સાથે જોડાયેલી રાખડીઓ ધોરણ-પના કલાસમાં એક શિક્ષિકાએ બળજબરીથી કાતર વડે કાપી લીધી હતી. વિદ્યાર્થીઓ વિનંતી કરતા રહ્યા પણ શિક્ષિકા એકનાં બે ન થયાં અને પવિત્ર બંધન સમી રાખડી પર કાતર ફેરવી નાખતાં વાલીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. શિક્ષિકાના કૃત્ય બદલ તેના અને શાળા સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા શિક્ષણ પ્રધાનને રજૂઆત કરાઇ હતી. ઘટનાની ગંભીરતા અને વાલીઓના આક્રોશને ધ્યાને લઇ શિક્ષણ વિભાગે તાત્કાલિક ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ ઘટના અનિચ્છનીય છે. આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવાય નહીં. બાળકો અને વાલીઓ જ નહીં, સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે. અમે શાળા સંચાલકો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો છે. ત્યાર બાદ શું પગલાં લેવાં તેનો નિર્ણય કરશે. વાલીઓની ફરિયાદ છે કે આ શાળામાં કોઇ હિન્દુ તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી પણ રાખડી પહેરીને આવેલા વિદ્યાર્થીઓને પણ ધમકાવાય છે. વિદ્યાર્થીઓએ પવિત્ર સંબંધની સાક્ષીરૂપે શિક્ષિકાને પણ રાખડી બાંધી હતી. બીજીબાજુ, ગાંધીનગર ડીઇઓની ટીમ દ્વારા પણ આજે શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જરૂરી પૂછપરછ હાથધરવામાં આવી હતી.

 

(8:17 pm IST)