Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હાર્દિકને મળવા ૬૦ હજારથી વધુ લોકો આવ્યાનો દાવો કર્યો

હાર્દિક પટેલના ટવીટ્ કરી સરકાર પ્રહાર : ઉપવાસના પાંચમા દિવસે હાર્દિકનું વજન વધુ ૫૦૦ ગ્રામ ઘટયુ : ફળ, જયુશ, લીકવીડ લેવાની હાર્દિકને ફરી સલાહ

અમદાવાદ, તા.૨૯ : પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે સવારે થોડી વધુ લથડી હતી, તેનામાં ચાલવાની પણ શકિત જણાતી ન હતી. ડોકટરોએ પહેલેથી જ તેને હોસ્પિટલમાં એડમીટ સલાહ આપી હતી પરંતુ હાર્દિક હોસ્પિટલમાં દાખલ થવાને બદલે આજે સવારે એમ્બ્યુલન્સ સાથેની તબીબી ટીમ દ્વારા પોતાના ઉપવાસ સ્થળે જ મેડિકલ ચેક અપને પ્રાધાન્યતા આપી હતી. દરમ્યાન આજે ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક પટેલે ટવીટ્ મારફતે ગંભીર અને તીખી પ્રતિક્રિયા આપી સરકાર અને પોલીસ તંત્ર પર સીધા પ્રહારો કર્યા હતા. હાર્દિકે દાવો કર્યો હતો કે, તેને ઉપવાસ આંદોલનમાં મળવા માટે અત્યારસુધીમાં ૬૦ હજારથી વધુ લોકો આવ્યા પરંતુ પોલીસે તેમાંથી માત્ર ૧૧૨૪ લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા. દરમ્યાન ઉપવાસના પાંચમા દિવસે આજના મેડિકલ ચેક અપ દરમ્યાન હાર્દિકનું વજન વધુ ૫૦૦ ગ્રામ ઘટી ગયુ હતુ. જો કે, તેના બ્લડપ્રેશર, સુગર સહિતના બીજા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ડોકટરોની ટીમે હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની અથવા ફળ,જયુશ અને લીકવીડ લેવાની સલાહ આજે ફરીથી આપી હતી. હાર્દિકે ટવીટ કરી એવો પણ માર્મિક કટાક્ષ કર્યો છે કે, બંધારણમાં કોઇ નવી કલમ ઉમેરાઇ છે કે શું. મારા ઘરમાં કોણ આવશે અને કોણ નહી આવે તેનો ફૈંસલો પણ હવે પોલીસ અને ભાજપ કરશે? છેલ્લા પાંચ દિવસથી તો આવું જ કંઇક લાગી રહ્યું છે. મને મળવા પૂરા પ્રદેશમાંથી ૬૦ હજારથી વધુ લોકો આવ્યા હતા પરંતુ પોલીસે માત્ર ૧૧૨૪ લોકોને જ મારા ઘર સુધી પહોંચવા દીધા. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ હાર્દિકને મળવા મધ્યપ્રદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા પરંતુ પોલીસે માત્ર ૨૦ લોકોને જવા દીધા હતા. હાર્દિક પટેલને સમર્થન આપવા કોંગ્રેસના કેટલાક નેતાઓ તેને મળવા માટે આવી પહોચ્યા હતા. રાજસ્થાનના બગરૂમાં રહેતા કોંગ્રેસના નેતા ડૉ. રઘુ આજે હાર્દિક પટેલને મળવા ગ્રીનવુડ આવ્યા હતા. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. બીજા કેટલાક સમાજના લોકો હાર્દિકના સમર્થનમાં તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો, આજે પૂર્વ આઈપીએસ અધિકારીસંજીવ કુમાર ભટ્ટ પણ હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતા.તેમણે કહ્યું કે, હાર્દિકને મળવા આવતા લોકોને રોકાય છે તે યોગ્ય નથી. પોલીસ અને અધિકારીઓ રાજકારણના ઇશારે કામ કરે છે.  ભટ્ટે ઉમેર્યું કે, હાર્દિકની વ્યક્તિગત રીતે મુલાકાત લેવા આવ્યો છું. હાર્દિકના મુદ્દા પ્રજા અને યુવાનોને સીધી સ્પર્શે છે.  આમ કરવાથી કાયદાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા તેના સુધી ન પહોંચી શકે તે માટે આ બધુ કરાયું છે. અધિકારીઓ પોતાની સુઝબુઝથી કામ નથી કરતા તે માત્ર રાજકારણના આધારે કામ કરે છે. હાલ રજનીશ રાયે પણ રાજીનામું આપી દીધુ છે અને હવે સાચું સ્ટેન્ડ લઈ શકે એવા લોકોની સરકારને જરૂર નથી લાગતી. હાર્દિકને મળવા વિવિધ સમાજના લોકો અને રાજકીય મહાનુભાવોનો મેળવાડો આજે પણ ચાલુ રહ્યો હતો.

(7:15 pm IST)