Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

RTE હેઠળ સંબંધિત તમામ બાળકને પ્રવેશ આપવા આદેશ

પ્રવેશ અંગેની અરજી પર હાઇકોર્ટનો ચુકાદો : લઘુમતી સમાજના લોકો દ્વારા ચલાવાતા લઘુમતી શૈક્ષણિક ટ્રસ્ટનું સ્ટેટસ આપોઆપ ન મળી જાય : કોર્ટનું અવલોકન

અમદાવાદ, તા.૩૦ : રાજયમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકોને રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળ વિનામૂલ્યે પ્રવેશ અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે આરટીઇ એકટ હેઠળ કરાયેલી અરજીઓ અન્વયે સંબંધિત તમામ બાળકોને પ્રવેશ આપવા રાજય સરકારને આદેશ કર્યો છે. જે બાળકોના પ્રવેશ અંગે અરજી કરાયેલી હશે તે તમામને પ્રવેશ આપવા હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ તાકીદ કરી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર જે અરજીઓને રદબાતલ કરાઇ હતી, તેઓને પણ ફરીથી તક આપવામાં આવે અને પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહી ગયેલા તમામ બાળકોને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે. દરમ્યાન હાઇકોર્ટે પોતાના ચુકાદામાં લઘુમતી શાળાઓ અને તેના સ્ટેટસને લઇને મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, લઘુમતી સમાજના લોકો દ્વારા ચલાવાતા લઘુમતી શૈક્ષણિક ટ્રસ્ટનું સ્ટેટસ આપોઆપ ના મળી જાય. જે શાળાઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો લઘુમતી તરીકેની જરૂરી માન્યતા ધરાવે છે તેઓને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આરટીઇના દાયરામાંથી બાકાત રખાય છે પરંતુ જેમની પાસે આવી કોઇ માન્યતા નથી તેઓએ આરટીઇ હેઠળ ૨૫ ટકા લેખે બાળકોને ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો રહેશે. હાઇકોર્ટના આ હુકમથી લઘુમતી શાળાઓ અને ટ્રસ્ટોને ઝટકો લાગ્યો હતો. જેને પગલે તેઓએ આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં જવું હોઇ બે અઠવાડિયાનો સ્ટે માંગ્યો  હતો અને અગાઉ આપેલી વચગાલાની રાહત ચાલુ રાખવા વિનંતી કરી હતી. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી તા.૧૪ ઓગસ્ટ સુધીમાં તેઓને સુપ્રીમકોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. દરમ્યાન અરજદાર ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે, જે શાળાઓ લઘુમતી તરીકેની માન્યતા ધરાવતી નથી તેમછતાં તેઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરતાં કાનૂની પ્રક્રિયાના કારણે રાજયના ૪૫ હજારથી વધુ બાળકોના ધોરણ-૧ના પ્રવેશમાં વિલંબ થયો છે. રાજયમાં કુલ ૫૩,૪૯૦ બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે. હાઇકોર્ટે પણ તેના ચુકાદામાં બીજો રાઉન્ડ કયારથી જાહેર કરવો તેની કોઇ સ્પષ્ટતા કરી હોવાનું જણાતું નથી તેથી હવે સરકાર આરટીઇ હેઠળ પ્રવેશ અંગેનો બીજો રાઉન્ડ કયારે જાહેર કરે છે અને કેટલા બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશઆફશે તે અંગે ગંભીર પ્રશ્નાર્થ છે. જો કે, હાઇકોર્ટે આરટીઇ હેઠળ અરજી કરનાર તમામ બાળકોને પ્રવેશ આપવા કહ્યું હોઇ સરકારે તમામ બાળકોને પ્રવેશ આપીને વૈધાનિક અને નૈતિક ફરજ અદા કરવી જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.

(8:13 pm IST)