Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રુપાલ વરદાયિની માતાના મંદિરનો કેન્દ્રની પ્રસાદ યોજનામાં સમાવેશ

મંદિરનો વિકાસ આસ્થાના કેન્દ્ર સાથે ટૂરિઝમની રીતે કરાશે : મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિતની જરૃરિયાતને લક્ષમાં રાખી વિકાસ કરાશે

ગાંધીનગર, તા.૩૦ : ગાંધીનગર જિલ્લાના રૃપાલ ગામ ખાતે આવેલા વરદાયિની માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના થકી આ મંદિરનો વિકાસ એક આસ્થા કેન્દ્ર સાથે ટુરિઝમની રીતે આગામી સમયમાં કરવામાં આવશે. ત્યારે અષાઢી બીજે ગૃહ મંત્રીના હસ્તે રૃપાલ અને વાસણ ગામના તળાવના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાશે.આ ઉપરાંત અષાઢી બીજના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીની ૧૨૦ કિગ્રા ચાંદીથી રજતતુલા પણ રૃપાલ ખાતે કરવામાં આવનાર છે. તેમ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને તેમના સૂચન બાદ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો વિકાસ કરવામાં આવનાર છે. આ યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૃરિયાતને લક્ષમાં રાખી વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે.

નીતિનભાઈએ આગળ કહ્યું કે, અષાઢી બીજના પાવન પર્વે ગામમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનાર કામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. ૧ જુલાઇ અને અષાઢી બીજના દિવસે રૃપાલ ગામના તળાવ બ્યુટિફિકેશન કામનું ખાતમુર્હૂત કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહના હસ્તે થનાર છે. આ સાથે રૃપાલથી નજીક આવેલા અને વાસણિયા મહાદેવથી વિશ્વ વિખ્યાત બનેલા વાસણ ગામના તળાવનું પણ બ્યુટિફિકેશન કાર્યનો આરંભ પણ આ સંકુલમાંથી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કરાવશે.

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન રૃપાલ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિતશાહનો રજતતુલા સન્માન સમારોહનું પણ તા. ૦૧ જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રીને દાતાઓ દ્વારા તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. આ ચાંદી અમિત શાહ મંદિરમાં દાન સ્વરૃપે અર્પણ કરશે. આ તમામ ચાંદીના રૃપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચે કરવામાં આવશે. હાલમાં નવ જેટલા દાતાઓ દ્વારા ૧૨૦ કિલોગ્રામ ચાંદી દાન સ્વરુપે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામમાં ૭૫ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે અને તેને ફૂલવા ફળવા માટે જાળવણી પણ કરાશે.

(8:18 pm IST)