Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

‘ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે જરૂર હતી ત્યારે વાંસળીના સુંદર સૂર રેલાવ્યા પરંતુ જ્યારે જરૂરીયાત જણાય ત્યારે હાથમાં સુદર્શન ચક્રને પણ ધારણ કર્યું છે. આજે હિંદુ ધર્મની રક્ષા માટે હવે શંખનાદ કરવાની જરૂર છે.’: સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

કાર્ડિફ (યુકે) ખાતે શ્રી કચ્છી લેવા પટેલ સમાજખાતે શ્રીમદ્‌ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન

કાર્ડિફ (યુકે) તા. ૨૯ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિચરણ કરનારા સ્વામી શ્રી માધવપ્રિયદાસજી (અધ્યક્ષશ્રી, SGVP ગુરુકુલ - અમદાવાદ) યુ.કે.ના રમણીય વિસ્તાર વેલ્સમાં આવેલા ‘કાર્ડિફ’ શહેર ખાતે પધાર્યા હતા.

કાર્ડિફ ખાતે પૂજ્ય સ્વામીજીનું આગમન થતાં ભાવિક ભક્તજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પૂજ્ય સ્વામીજીના સત્સંગનો સવિશેષ લાભ લેવા માટે ભાવિકજનોએ ‘શ્રી કચ્છી લેવા પટેલ સમાજ’ ખાતે ‘શ્રીમદ્‌ભાગવત સપ્તાહ પારાયણ’નું આયોજન કર્યું હતું.

આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીરામ પ્રાગટ્યોત્સવ, શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, અન્નકૂટોત્સવ, શ્રીકૃષ્ણ-રૂક્મિણી વિવાહ વગેરે પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા.

સ્વામીજીએ ભાગવતજીના મંગલ પ્રસંગોની સાથે તેમના મર્મો સમજાવ્યા હતા. સ્વામીજીએ ભાગવતજીના દિવ્ય મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, ‘હિંદુ ધર્મના ભાગવતજી જેવા શાસ્ત્રો અમર છે. હિંદુ શાસ્ત્રોમાંથી વર્તમાન સમયને ઘણું બધું શીખવાની જરૂર છે.’

‘ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે જરૂર હતી ત્યારે વાંસળીના સુંદર સૂર રેલાવ્યા પરંતુ જ્યારે જરૂરીયાત જણાય ત્યારે શત્રુઓને ધ્રુજાવનાર પાંચજન્ય શંખનો ઘોષ કરીને હાથમાં સુદર્શન ચક્રને પણ ધારણ કર્યું છે. આજે હિંદુ ધર્મની રક્ષા માટે પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડશે. વાંસળીના સૂર ઘણા રેલાવ્યા હવે શંખનાદ કરવાની જરૂર છે.’

હિંદુત્વની ગરીમાથી ભરેલી પૂજ્ય સ્વામીજીની વાણીએ સૌના હૈયામાં ખુમારી પ્રગટાવી દીધી હતી.

કાર્ડિફના ભાવિક બહેનોએ આ સમગ્ર આયોજન ઉત્સાહથી ઉપાડી લીધું હતું. ઉત્સાહી સ્વયંસેવિકા બહેનોએ કથામાં પધારનારા ભક્તજનોને પ્રેમથી ભોજન કરાવ્યા હતા.

આ પ્રસંગે કથાનું શ્રવણ કરવા માટે કાર્ડિફ નિવાસી ભક્તજનોનો વિશાળ સમુદાય એકત્રિત થતો હતો. સનાતન મંદિરના પ્રમુખશ્રી હરેશભાઈ પટેલ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રીરાજેશભાઈ જાદવા, રમેશભાઈ કેસરા તથા સમસ્ત ટ્રસ્ટી સભ્યો તથા ભાવિક ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(1:25 pm IST)