Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બહુચર્ચિત દહિયા-લીનુ કેસમાં નવો વળાંકઃ સસ્પેન્ડેડ IASએ યુવતી સામે દિલ્હી પોલીસમાં નોંધાવી ફરિયાદ

ગૌરવ દહિયાએ લીનુ સામે ખંડણી, ધમકી અને બદનક્ષીની ફરિયાદ કરી:પરિણીત હોવા છતાં લીનુંએ પતિ સાથે મળી પૈસા પડાવવા કાવતરુ કર્યું

અમદાવાદઃ પોલીસ બેડામાં એક વર્ષ પહેલાં ચર્ચા જગાવનારા ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા અને લીનું સિંહના કેસમાં નવો વળાંક આવ્યો છે,ગેરવર્તણુક અને નૈતિક અધમતા બદલ સસ્પેન્ડ થયેલા ગૌરવ દહિયાએ દિલ્હી પોલીસમાં લીનું સિંહ સામે ફરિયાદ નોંધાવી છે. દહિયાએ કથિત ધમકી, ખંડણી અને બદનક્ષીની ફરિયાદ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  લીનુએ દહિયા સાથે લગ્ન અને તેનાથી એક પુત્રી હોવાનો દાવો કર્યો હતો. સાથે અનેક આરોપ કર્યા હતા. પરિણામે દહિયાને સસ્પેન્ડ થવુ પડ્યું હતું. હવે એક વર્ષ બાદ ગૌરવ દહિયાએ દિલ્હીમાં લીનું સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં દહિયાએ જણાવ્યું છે કે લીનું સિંહે 2015માં જ કુલદીપ સાથે લગ્ન કરી લીધા હતા. પછી ગત વર્ષે બંને પતિ-પત્નીએ તેને ફસાવ્યો હતો અને પૈસા પડાવવા માટે કાવતરુ ઘડ્યું હતું.

  ગત વર્ષે તત્કાલીન આરોગ્ય વિભાગના કમિશનર ગૌરવ દહિયા સામે દિલ્હીની લીનું સિંહ નામની મહિલાએ અમદાવાદ વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે દહિયાએ પરિણીત હોવા છતાં તેના પર બીજા લગ્ન કરવા દબાણ કર્યું, એટલું નહીં એક દિવસ કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ પીવડાવી વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કર્યું હતું.

ગૌરવ દહિયાએ દિલ્હીના માલ્વીય નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. દહિયાએ લીનુ સામે આઇપીસીની કલમ189 (પબ્લિક સર્વન્ટને ધમકી), કલમ-389 (ખંડણી), કલમ-389 (ખંડણી માટે ખોટા આક્ષેપો) અને કલમ 499 ( બદનક્ષી) હેઠળ ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું કે લીનું સિંહ અને તેઓ 2017માં ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. દહિયા દિલ્હી ગયા ત્યારે લીનું સિંહને મળ્યા હતા. દિલ્હીની એક હોટેલમાં પોતે પરિણીત હોવાનું જણાવ્યા છતાં લીનુએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું ત્યારે મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેને મદદ પણ કરી હતી. પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેલ કરી નાણા પડાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એટલું નહીં આત્મહત્યાનો પ્રયાસ કરી મારી પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે બંનેએ સંમત્તિથી સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ લીનુએ દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા મારી પણ દબાણ કર્યું હતું. તેની માગણીને વશ થઇ તેને ઘર પણ અપાવ્યું હતું.

(10:55 pm IST)