Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કૌભાંડી કોન્ટ્રાકટરને ફરી સવા કરોડનું કામ સોંપાયું

મકતમપુરા વોર્ડ ડિસીલ્ટિંગ કામ સાંઇ ટયુબવેલને :અગાઉ નરોડા વોર્ડના આ પ્રકારના કામમાં સાંઇ ટયુબવેલ દ્વારા કૌભાંડમાં વિજિલન્સ તપાસની ઉગ્ર માંગ ઉઠી હતી

અમદાવાદ,તા. ૩૦ :મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે દર વર્ષે કરોડો રૂપિયા ગટરલાઇનના ડિસીલ્ટિંગ પાછળ ખર્ચાતા હોવા છતાં તેનું અસરકારક પરિણામ આવતું ન હોવાનું એકમાત્ર કારણ વ્યાપક-ખદબદતો ભ્રષ્ટાચાર છે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા જે કોન્ટ્રાકટરો વિરૂધ્ધ કૌભાંડ કે ગોટાળાની ફરિયાદો ઉઠેલી હોય છે તેવા જ કોન્ટ્રાકટરોને ફરી ને ફરી કામ આપવાની નીતિને લઇ સત્તાધીશો શંકાના ઘેરામાં આવી જાય છે. આ વખતે અગાઉ નરોડા વોર્ડમાં ડિસીલ્ટિંગ સહિતના કામમાં કૌભાંડ અને ગોટાળા આચરનાર સાંઇ ટયુબવેલને ફરી મકતમપુરા વોર્ડમાં સવા કરોડ રૂપિયાનું નવું કામ સોંપાતા ભારે વિવાદ સર્જાયો છે. અમ્યુકો સત્તાવાળાઓના આ વિવાદીત નિર્ણયને લઇ વિપક્ષ કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં છાશવારે ડિસીલ્ટિંગના કૌભાંડ પ્રકાશમાં આવવા છતાં પણ અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત અટકતી નથી. આનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ સાંઇ ટ્યૂબવેલ નામના વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરને ફરીથી ડિસીલ્ટિંગનું અપાયેલું કરોડો રૂપિયાનું કામનું છે. અગાઉ ઉત્તર ઝોનના નરોડા વોર્ડની વિવિધ ગટરલાઇનનું સીસીટીવી કેમેરાથી ડિસીલ્ટિંગ કરવાનું કામ સાંઇ ટ્યૂબવેલ નામના કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. આ કોન્ટ્રાક્ટર પાસે સીસીટીવી કેમેરા સહિતનાં સાધન પણ ન હતાં. તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓએ સાઠગાંઠ રચી કોન્ટ્રાક્ટરને કરોડોનું કામ આપ્યું હતું. આ તો ઠીક ગટર લાઇનના ડિસીલ્ટિંગના મામલે સીસીટીવી કેમેરાના ફૂટેજ વગર જ પ્રોગ્રેસ રિપોર્ટ ભરી દેવાયો હતો. મ્યુુનિસિપલ કોંગ્રેસના નેતાએ આ કૌભાંડનો મામલો ઉઠાવીને આ અંગે  વિજિલન્સ તપાસ ગોઠવીને કસૂરવાર સામે કડક પગલાં ભરવાની ઉગ્ર માગણી કરી હતી,  પરંતુ આજદિન સુધી વિજિલન્સ તપાસ સોંપાઇ નથી. હવે નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા સાંઇ ટ્યૂબવેલને મક્તમપુરા વોર્ડની વિવિધ જગ્યાની ડ્રેનેજ લાઇનની મિકેનિકલ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને સુપર સકરથી ડિસીલ્ટિંગ કરવાનું રૂ.૧.૧પ કરોડનું કામ સોંપાયું છે. તંત્રના આ કામને ગઇકાલે મળેલી વોટર સપ્લાય કમિટી દ્વારા પણ લીલીઝંડી અપાતાં નવો વિવાદ ઉઠવા પામ્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે ભારે વિરોધ નોંધાવી તપાસની માંગ કરાઈ છે.

(8:21 pm IST)