Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

પીડિતા ઉપર પ્રેમીના મિત્રો દ્વારા બળાત્કાર કરાયો હતો

યામિનીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા : પોલીસની સીસીટીવી, મોબાઇલ ચેટ સહિતના પુરાવાના આધારે તપાસ : આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન

અમદાવાદ,તા.૩૦ : શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ગઇકાલે આરોપી યુવતી યામિની નાયરની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પીડિતા પર તેના જ પ્રેમીના મિત્રો અને ભાઇઓએ ભેગા મળી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બીજીબાજુ, અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ચેટ સહિતના અન્ય પુરાવાના આધારે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જેને પગલે ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઇ જાય તેવી પણ શકયતા છે.  પોલીસે હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.  પોલીસ તપાસમાં વિગતો સામે આવી હતી કે, પીડિતાનું માર્ચ-ર૦૧૮માં નહેરુનગર પાસે કેફી પદાર્થ સુંઘાડી અપહરણ કર્યા બાદ ચાલુ કારમાં તેના પર બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હતો, તેમાં ગૌરવના બે પિતરાઇ ભાઇઓની સંડોવણી લાગે છે. આ ઘટના બાદ ઇન્સ્ટાગ્રામ પર વૃષભ દ્વારા મેસેજ કરી બ્લેકમેેલિંગ કરવામાં આવી રહ્યું હતું. તેની જાણ આજથી ૧૦ દિવસ પહેલાં જ તેણીએ ગૌરવને કરી હતી. ગૌરવને નહેરુનગર પાસે કારમાં બળાત્કાર અંગેની વાત અને વૃષભ તથા યામિની દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પૈસાની માગ તેમજ ધમકી આપવાનું યુવતીએ જણાવતાં તા.ર૬ જૂનના રોજ ફરીથી ઇસનપુરમાં સ્પ્રે છાંટી કારમાં બેસાડી તેની સાથે ત્રણ અજાણ્યા શખસોએ અડપલાં કરી વીડિયો ઉતારી લીધો હતો. ત્રણ પૈકી એક ઇસમે જ્યારે યુવતીને જયમાલા રોડ પર ઉતારી ત્યારે હિંદીમાં જણાવ્યું હતું કે, "યે સબ તુુને જો ગૌરવ કો બતા દિયા ઉસીકી સજા હૈ, ઔર વૈસે હી યે સબ કુછ ગૌરવને હી કરવાયા હૈ." ઇસનપુરમાં બનેલી ઘટના બાદ યુવતીએ તેની બહેનને અને માતા-પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યાં હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા, મહિલા ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી પન્ના મોમાયા, ડીસીપી ઝોન-૭ આર.જે. પારગી સહિતના અધિકારીઓએ યુવતીની પૂછપરછ હાથ ધરી રહ્યા છે. જો કે, ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પૃચ્છા દરમ્યાન યુવતી ચૂપ થઇ જતી હતી. ગૌરવની સંડોવણી અંગે તેણે કંઇ સ્પષ્ટ જવાબ પોલીસને આપ્યો નથી. જેથી ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મણિનગર સત્યમ્ ટાવર પાસે આવેલી ગલીમાં જ્યારે યુવતી ગઇ ત્યારે મોઢે રૂમાલ બાંધેલા બે યુવકો અને મોઢા પર દુપટ્ટો બાંધેલી બે યુવતીઓ આવી હતી બંને યુવકોએ પાછળથી યુવતીના હાથ પકડયા હતા અને હિંદીમાં યુવતીઓએ જણાવ્યું હતું કે, "જો તે કોઇને આ બાબતે જાણ કરશે તો તેનો વીડિયો વાઇરલ કરી દેશે અને તારા બોયફ્રેન્ડ ગૌરવને મારી નાખશે." સળગતી સિગારેટ યુવતીના મોઢામાં નાખી ખભા પર ઇન્જેકશન પણ મારવામાં આવ્યું હતું.

યુવતી દ્વારા તેની સાથે નહેરુનગર પાસે થયેલા બળાત્કાર અંગે તેમજ બ્લેકમેલિંગ વિશે તેના બોયફ્રેન્ડ ગૌરવને શા માટે વાત ન કરી તેના ઉપર સવાલો ઊઠી રહ્યા છે. આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને અન્ય લોકો મૂળ હરિયાણાના રહેવાસી છે. તેઓ વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે.

ઇસનપુરના કમ્પ્યૂટર કલાસમાં મિત્ર બનેલી યુવતી સાથે ગૌરવને પ્રેમસંબંધ બંધાયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગૌરવ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ તેના પિતાએ ના પાડતા આંતરિક ખટરાગ શરૂ થયો હતો. આ કેસમાં પોલીસે ઇસનપુર પાસેના એક સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે જેમાં કાળા કલરની સ્કોર્પિયો કાર જતી નજરે પડે છે. જો કે તે જ કારમાં યુવતીનું અપહરણ કરાયું હતું કે કેમ તેના પર સવાલ છે. સીસીટીવી ફૂટેજમાં માત્ર કાર જતી નજરે પડે છે પરંતુ તેનો નંબર જણાતો નથી.

(7:46 pm IST)