Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

૧૦૦માંથી ૯૦ જયોતિષીઓ છેતરપીંડી નથી કરતાઃ જયોતિષ શાસ્ત્ર વિજ્ઞાન છે કે નહિ ? તેથી મને ફરક નથી પડતો

જયોતિષશાસ્ત્ર છે કે નહિ ? દારૂવાલા શું માનતા : ડોકટરો-સાઇકીયાટ્રીસ્ટો- ઓડીટર્સ અનેક વખત ખોટું કરતા પકડાયા છે

અમદાવાદ, તા. ૩૦ : જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું કોરોનાથી અવસાન થયંું છે. તેઓ ૮૯ વર્ષના હતાં. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી અને દેશ વિદેશમાં તેમની જ્યોતિષને લગતી કોલમોનો બહોળે ચાહકવર્ગ છે. જ્યોતિષશાસ્ત્ર અંગે તેમનું સ્પષ્ટ મતવ્ય હતુંકે, તે વિજ્ઞાન છે કે નહીં તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. સત્ય એ છે કે તે કામ કરે છે.

હીકકતમાં એ સમયે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશને એક વિવાદાસ્પદ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે, જેમાં દેશભરની યુનિવર્સિટીઓ પાસેથી જ્યોતિષ વિજ્ઞાન કે વેદિક જ્યોતિષ અંગેના કોર્ષની દરખાસ્ત મંગાવાઈ હતી એ સંદર્ભમાં બોલતા દારૂવાલાએ કહ્યું હતું કે, 'મને ફરક નથી પડતો કે તે વિજ્ઞાન છે કે નહીં, સત્ય એ છે કે તે કામ કરે છે.'

સંજય ગાંધીના અકસ્માત, રાજીવ ગાંધીના મૃત્યુ, અમિતાભ બચ્ચનનો સિતારો ફરી ચમકવા અંગે અને ગુજરાતના ભૂકંપ અંગે સચોટ આગાહી કરનારા બેજાન દારૂવાલાએ જ્યોતિષ અંગે જણાવ્યું હતું કે, 'જ્યોતિનો અર્થ છે પ્રકાશ. પ્રકાશ એટલે ભગવાન. તે ભગવાનનો પ્રકાશ છે.' જ્યોતિષીઓ છેતરપિંડી કરતા હોવા અંગે તેમનું કહેવું હતું કે, ૧૦૦માંથી ૯૦ ટકા જ્યોતિષી છેતરપિંડી નથી કરતા. ૧૦ ટકા એવું કરે છે. તેમનું કહેવું હતું કે, ઘણી વખત ડૉક્ટર્સ, મનોવૈજ્ઞાનિકો કે પછી એડિટર્સ પણ ખોટું કરતા પકડાયા છે. આપણે ભારતીયો થોડા અંધશ્રદ્ધાળુઓ પણ છીએ. રોકેટ લોન્ચ કરતી વખતે વૈજ્ઞાનિકો ભગવાનના આશીર્વાદ માગે છે. તેમણે એવું શા માટે કરવું જોઈએ ? હું કહેવા માગું છું કે કેટલીક બાબતો આપણી માન્યાનો સહજ ભાગ બની ગઈ છે.

જ્યોતિશાસ્ત્ર એ સંપૂર્ણ વિજ્ઞાન છે કે નહીં તે પોતે જાણતા ન હોવાનું કહેતા તેમણે કહ્યું હતું કે, જ્યોતિષ ત્રણ બાબતોનો સમન્વ્ય છે - એસ્ટ્રોલાજી દ્વારા ગ્રહોની સ્થિતિ. એ પછી ગ્રહો દિશાઓ, રાશિઓ વચ્ચેનું સંકલન વગેરે એ એક કળા છે. છેલ્લે ઈએસપી અંર્તજ્ઞાન કે ગણેજીના આશીર્વાદથી ભવિષ્યવાણી.

તેમનું કહેવું છે કે, અંર્તજ્ઞાન ઘણું મહત્ત્વનું છે. ડિટેક્ટિવ્ઝ પણ તેના પર આધાર રાખે છે. તેઓ તેને આશંકા કહે છે. પણ સુંદર બાબત એ છે કે તે એક સંયોગ છે. ઘણા જ્યોતિષીઓ કહે છે કે તે વિજ્ઞાન છે, પણ હું તે બાબતે ચોક્કસ નથી. તેમણે કહ્યું હતું કે, જો તમે ખરેખર જાણવા માગો છો તો તે વિજ્ઞાન છે કે નહીં તેમાં મને રસ નથી. મને જેમાં ખરેખર રસ છે એ સત્યમાં છે કે તે કામ કરે છે તે સાચું ઠરે છે.

ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાનો કોરોનાનો રિપોર્ટ ૨૨મી મેએ પોઝિટીવ આવ્યો હતો. તેઓ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. જ્યાં ૨૯મી શુક્રવારે સાંજે ૫.૧૩ કલાકે તેમનું અવસાન થયું હતું.

(2:41 pm IST)