Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

૬૦ થી લઇ ૯૦ હજાર રૂ.માં દેશની કોઇ પણ યુનિ.ની ડીગ્રી તૈયાર કરી આપતા

વડોદરામાં બોગસ માર્કશીટ ડીગ્રી સર્ટીફીકેટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ છેલ્લ પાંચ વર્ષથી ચાલતું'તું: વડોદરાના પોલીસ કમિશ્નર સાથે અકિલાની વાતચીત : અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજા ટીમ દ્વારા બંન્ને આરોપીઓને રિમાન્ડ પર લેવાયા

રાજકોટ, તા., ૩૦: ધોરણ-૧ર થી લઇ દેશની કોઇ પણ યુનિવર્સિટીની માર્કશીટ તથા કોઇ પણ ફેકલ્ટીની એન્જીનીયરીંગની બોગસ ડીગ્રી બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઝડપી લઇ બે ભેજાબાજ શખ્સોની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

 ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે અલ્કાપુરી વિસ્તારમાં આવેલા એજયુકેશન ઇન્સ્ટીટયુટ  દ્વારા આવા ૩ માસના કોર્ષની જાહેરાત જોઇ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા પ્રશાંત ભુપેન્દ્રભાઇ રાઠોડે પોતાને શિકાગો જવાનું હોય વિન્ડસર પ્લાઝામાં ૮માં માળે આવેલ  કેપ્લોન ગૃપ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ ઓફીસનો સંપર્ક સાધ્યો હતો.

સંચાલક વિરલ જયસ્વાલે ૩ માસના કોર્ષ અને ધોરણ-૧રના સર્ટીફીકેટની ફી પેટે રૂ. ર૦ હજાર લીધા હતા અને મહારાષ્ટ્રના સર્ટીફીકેટો અને અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપ્યા.

પ્રશાંત અને તેના મિત્રોએ ડીગ્રી અને સર્ટીફીકેટોની ચકાસણી કરતા તે બોગસ જણાયા હતા. અરજદારે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધવી પીએસઆઇ એ.બી.મિશ્રા વિ. ઉકત સ્થળે ત્રાટકી ઇન્સ્ટીટયુટના સંચાલક વિરલ જયસ્વાલ, નિલય ભુપેન્દ્રભાઇ શાહ વિગેરેની ધરપકડ  કરી હતી. ઇન્સ્ટીટયુટ સ્થળેથી વિવિધ યુનિવર્સિટીના દસ્તાવેજો મળી આવ્યા હતા.  ગરજવાન પાસેથી ૬૦ થી ૯૦ હજાર બોગસ સર્ટીફીકેટ અને ડીગ્રીઓ વેચવામાં આવતી હતી.  પોલીસ કમિશ્નરના વિશેષમાં જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ ચાલુ હતું. વારાણસી, ભોપાલ સહીતની યુનિ.ના બોગસ ડીગ્રી દસ્તાવેજો કબ્જે કરી આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

(12:03 pm IST)