Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ખેડૂતોએ કરવું પડતું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મરજિયાત કરાયું

કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં લઇ નિર્ણય : આધાર ઓથેન્ટિકેશન કરવા માંગતા ન હોય તો આધાર નંબર સાથે જરૂરી પુરાવા લઇ ખાતરની ખરીદી કરી શકશે

અમદાવાદ, તા. ૩૦ : કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાને લઈ ખેડૂતોમાં વાયરસનું વધુ સંક્રમણ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે ખેતી નિયામકની કચેરીએથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પારદર્શિતાના હેતુસર ભારત સરકાર દ્વારા સબસિડીયુક્ત રાસાયણિક ખાતરનું વેચાણ પીઓએસ મશીન મારફતે ફરજિયાતપણે આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે.

સાવચેતીના કારણોસર ખેતી નિયામક દ્વારા ખેડૂતોએ કરવું પડતું આ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન હાલ પૂરતું મરજિયાત કરવાનો નિર્ણય લીધો છે ખેતી નિયામકએ જણાવ્યું છે કે,  રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા લાવવા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔદ્યોગિક વપરાશ પર અંકુશ લાવવા અને ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ઉપરાંત ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઈન માહિતી તથા ખેડૂતવાર - ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણ પી. ઓ.એસ . મશીન મારફતે કરવા નક્કી કર્યું છે. આ પધ્ધતિમાં ખેડૂતોના આધાર નંબર અને પી.ઓ.એસ મશીન મારફત ફરજીયાતપણે આધાર /બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે. હાલમાં ઉદ્દભવેલી કોવિડ-૧૯ની સ્થિતીને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે પી.ઓ.એસ મશીન મારફત કરવામાં આવતું આધાર / બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન મરજીયાત કરવામાં આવ્યું છે. જો ખેડૂતો આધાર ઓથેન્ટિકેશન કરવા માંગતા ન હોય તો આધાર નંબર સાથે જરૂરી ઓળખના પૂરાવા લઈ જઈને ખાતરની ખરીદી કરી શકશે તેમ ખેતી નિયામકશ્રીએ વધુમાં ઉમેર્યું છે.

(9:42 pm IST)