Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

રાજપીપળા કોવિડ-૧૯ હોસ્પિટલમાં સતત કામ કરતા ડૉ.મેનાતનું ફળિયાના રહીશોએ પુષ્પ વર્ષાથી સન્માન કર્યું

રાજપીપળામાં ૪૦ ડીગ્રી ગરમીમાં સતત પીપીઇ કીટ પહેરી દર્દીઓને જીવ બચાવવા કામ કરતા ડોક્ટરોના ઉમદા કાર્યને સલામ કરી સ્વાગત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેર વચ્ચે ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોનાના દર્દીઓને મોતના મુખમાંથી બચાવવા કેટલાક ડોક્ટરો પણ આકરી ગરમીમાં પણ સતત પ્રયાસ કરી રહ્યા છે.જેમાં અમુક જિલ્લાઓમાં તો કેટલાક દર્દીઓના મોત પણ થયા હોય તેવા સમયે નર્મદા જિલ્લામાં અત્યારસુધી એક પણ દર્દી મોતને નથી ભેટ્યો ત્યારે તેનો શ્રેય રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં ૪૦ ડીગ્રી ગરમીમાં પણ પીપીઇ કીટ પહેરી દર્દીઓને જીવ બચાવવા કામ કરતા ડોક્ટરોની મહેનત છે એ એકદમ સત્ય વાત છે.
  અત્યાર સુધી નર્મદા જિલ્લા માં કુલ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા તે પૈકી એક મહિલા વડોદરા ની ગોત્રી ખાતે રીફર કરાયા હતા જ્યારે એક સાજા થતા રજા અપાઈ હતી ત્યારબાદ બાકી રહેલા ૧૦ દર્દીઓ પૈકી ગઈકાલે એટલેકે બુધવારે સવારે ૯ દર્દીઓ એકદમ સાજા થતા તેમને એક સાથે રજા અપાઈ હતી.જેમાં દર્દીઓ એ તો આ હોસ્પિટલમાં સેવા બજાવતા ડોક્ટરો અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો પરંતુ રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો પૈકી રાજપીપળા દોલત બજારમાં રહેતા ડો.જશવંત મેનાત નવ દર્દીઓને રજા આપ્યા બાદ સાંજે જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ફળિયાના યુવાનોએ કોરોના મહામારી વચ્ચે પણ પોતાની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી દર્દીઓ માટે ૪૦ ડીગ્રી આકરી ગરમીમાં પણ પીપીઇ કીટ પહેરી દર્દીઓને જીવ બચાવવા કામ કરતા ડોક્ટરો જશવંત મેનાત ના આવા ઉમદા કાર્યને સલામ કરી બિરદાવ્યું હતું.ડો. મેનાત જેવા તેમના રહેણાંક મકાનની ગલીમાં પહોંચ્યા ત્યાં યુવાનોએ પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કરતા ડોક્ટર મેનાતે પણ બે હાથ જોડી તમામનો આભર માન્યો હતો.

(8:32 pm IST)