Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગુજરાતભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૩ કેસ નોંધાયા

૪ મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે : રાજ્યમાં ૧૭ મોત સાથે મૃતાંક વધી ૨૧૪ : કોરોના કેસ વધતા ગાંધીનગર શહેરમા માત્ર ચ રોડથી જ પ્રવેશ મળશે

અમદાવાદ,તા.૩૦ : વડોદરામાં નવા ૧૯ જ્યારે મહેસાણામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૪૩૯૫ થઇ છે. જયારે કોરોના વાયરસના કારણે રાજયમાં કુલ મૃત્યુઆંક ૨૧૪ને પાર થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ ભયંકર અને બિહામણી બનતી જાય છે. અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંક ૨૭૭૭ને પાર થઇ ગયો છે, તો શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૩૭ થયો છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે.  વડોદરામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક ૨૧૪એ પહોંચ્યો છે. તેમજ  ૬૧૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં નવા દસ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા તો, સુરતમાં નવા ૧૩થી વધુ કેસો સામે આવ્યા હતા અને વધુ ત્રણ મોત નોંધાયા હતા. તો રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના સાત નવા કેસો સામે આવતાં શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

                માત્ર ચ રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ ચ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સરકારી ઓફિસોમાં આવતા વાહનચાલકો હેરાન થયા હતા. જિલ્લા પોલીસવડાએ જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કોબા - અડાલજ તરફથી જ ગાંધીનગર તરફ આવવાના રસ્તા ચાલુ છે. તા.૩ મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ૪ મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે.

           જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે. અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક પહેલાથી દારુનો વ્યસની હતો. અગાઉ તેને લોહીની ઉલ્ટી પણ થઇ હતી. ગયા શનિવારે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન દેશમાં કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૫.૮૫ ટકા, ગુજરાતનો ૧૨.૭૨ ટકા અને દિલ્હીનો ૧૨.૬૨ ટકા છે. સૌથી વધુ કેસ ૩ શહેરોમાં છે. મુંબઈમાં ૧૧.૬૨ ટકા અમદાવાદમાં ૯.૪૩ ટકા , દિલ્હીમાં ૧૨.૬૨ ટકા છે. મધ્ય પ્રદેશનો હિસ્સો ૫.૮૭ ટકા અને રાજસ્થાનનો ૫.૦૭ ટકા છે.

(9:36 pm IST)