Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

સુરતના અમરોલીમાં લોકડાઉનમાં પણ તસ્કરોનો તરખાટ:15 મિનિટમાં બે યુવાનોને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ થતા અરેરાટી

સુરત : અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્ષમાં રહેતો રત્નકલાકાર ભાનુભાઇ અરજણ બારૈયા (ઉ.વ. 49 મૂળ રહે. ફીફાદ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) આજે સવારના સમયે ઘરેથી પગપાળા શાકભાજી લેવા જવા માટે નીકળ્યો હતો. દરમ્યાનમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી મોટરસાઇકલ પર મોબાઇલ સ્નેચર ઘસી આવ્યો હતો અને શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કિંમત રૃા. 5 હજારની મત્તાનો આંચકીને ભાગી ગયો હતો. ભાનુભાઇએ ચોર-ચોરની બુમરાણ મચાવી હતી પરંતુ લોક્ડાઉન હોવાથી રસ્તા પર લોકોની અવરજવર બિલકુલ ન્હોતી. જો કે સ્નેચરની મોટરસાઇકલ નં. 5650 હોવાનું નજરે પડતા આ અંગેની જાણ પોલીસને કરી હતી. જયારે ભરથાણા ગામ સ્થિત ખોડિયાર નગરમાં રહેતો કુલી લક્ષ્મણ હેમાજી ડાયમા (ઉ.વ. 41) સવારે 8 વાગ્યાના અરસામં ઘરેથી પગપાળા શાકભાજી લેવા નીકળ્યો હતો. તે દરમ્યાન રજવાડી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર ઘસી આવેલા સ્નેચરે લક્ષ્મણના શર્ટના ખિસ્સામાં મુકેલો મોબાઇલ ફોન કિંમત રૃા. 7 હજારની મત્તાનો આંચકીને ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે લોક્ડાઉન અંતર્ગત પણ મોબાઇલ સ્નેચર સક્રિય જણાય રહ્યા છે. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)