Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

૧૦ લાખ કર્મચારી-પેન્શનર્સને સંપૂર્ણ પગાર-પેન્શન ચૂકવાશે

મેના પ્રથમ સપ્તાહમાં પગાર-પેન્શન ચૂકવવા જાહેરાત : ગુજરાતમાં લોકડાઉન છતાં સરકારની નાણાંકીય સ્થિતિ સારી : મે મહિનાનો પગાર સમયસર કરાશે : નાણાંપ્રધાન

અમદાવાદ,તા.૩૦ : કોરોનાની મહામારીને કારણે છેલ્લા ઘણા દિવસોથી સરકારી ઓફિસો બંધ હતી કેટલાક કર્મચારીઓને રજા અપાઇ હતી તો ઘણા કર્મચારીઓ કોરોનાની કામગીરીમાં જોડાયા હતા, કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં કાપ મુકી દીધો છે, જેની સામે પણ નારાજગી વ્યક્ત કરાઇ છે, આ સ્થિતીમાં હવે ગુજરાત સરકાર વતી ડે.સીએમ નીતિન પટેલે આજે મહત્વની જાહેરાત કરી છે કે રાજ્ય સરકારના બધા જ કર્મચારીઓ પેન્શનરોને પૂરેપુરો પગાર ચૂકવવામાં આવશે, ભલે તેઓ ઓફિસ ગયા હોય કે ન ગયા હોય પરંતુ તેમનો પગાર કપાશે નહીં. કોરોનાના કહેરને કારણે હાલ ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-૨ ચાલી રહ્યું છે. જે તા.૩ મેના રોજ પુરૂ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આજે રાજ્યના નાણામંત્રી નીતિન પેટેલે ગુજરાતની આર્થિક સ્થિતિ સારી હોવાનો નિર્દેશ આપી જણાવ્યું કે રાજ્યના ૧૦ લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનરોને આગામી મે મહિનાના પગાર અને પેન્શન પેટે રૂપિયા ૪૨૦૦ કરોડ ચૂકવવામાં આવશે.

              ગુજરાતના નાણાં વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ નાણામંત્રી નીતિનભાઈ પટેલે ફેસબુકના માધ્યમથી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ગુજરાતની જીએસટી અને વેટની આવકમાં ઘટાડો થયો હોવાછતાં પણ રાજ્યની નાણા વિભાગની કાર્યક્ષમતાને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી છે. આ સંજોગોમાં રાજ્યના ૫ લાખ ૨૮ હજાર સરકારી કર્મચારીઓને મે મહિનાનો પગાર પ્રથમ અઠવાડિયામાં જ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓના પગાર પેટે રૂપિયા ૨૬૦૦ કરોડનો ખર્ચ થાય છે, આ ઉપરાંત ગુજરાતના ૪.૫૭ લાખ પેન્શનર્સને પણ મે મહિનાનું પેન્શન રૂપિયા ૧૪૦૦ કરોડ પણ સમયસર ચૂકવાઈ જશે.

           ધંધા રોજગાર બંધ હોવાથી રાજ્ય સરકારની જીએસટીની અને વેટની આવકમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૧ મહિના જેટલા સમયથી ઉદ્યોગો, પેટ્રોલપંપ, ટુરિઝમ, હોટલો, થિયેટરો અને મોલ બંધ હોવાથી સરકારી આવકમાં મોટો ઘટાડો થયો છે, જો કે આ બધાની વચ્ચે રાજ્યના ૫ લાખ ૨૮ હજાર કર્મચારીઓને ૨૬૦૦ કરોડ રૂપિયાનો પગાર ચુકવાશે, તો, ૪ લાખ ૫૭ હજાર પેન્શરોને પણ ૧૪૦૦ કરોડ રૂપિયાનું પેન્શન ચુકવી દેવાશે. મે મહિનાના પહેલા સપ્તાહમાં કર્મચારીઓના બેંક ખાતાઓમાં પગારની રકમ જમા કરી દેવામાં આવશે, સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના આરોગ્ય, પોલીસ, મહેસૂલ, અન્ન પુરવઠો અને શિક્ષકો સહિતના તમામ વિભાગોના કર્મચારીઓને મોટી રાહત મળી છે.

(9:36 pm IST)