Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદથી લોકોની અવરજવર વધુ હોવાથી ગાંધીનગરમાં કોરોનાના કેસ વધ્યાઃ લોકોની માહિતી આપવા તંત્રની અપીલ

ગાંધીનગર: ગાંધીનગરમાં વધી રહેલા કોરોના વાયરસના નવા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ગાંધીનગર આવતા લોકોની માહિતી આપવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. ગાંધીનગરમા મોટા પ્રમાણમાં અમદાવાદથી લોકોની અવરજવર રહેતી હોય છે. જેને કારણે ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક વહિવટી તંત્રએ અમદાવાદથી ગાંધીનગર આવતા લોકોની અવરજવર પર રોક લગાવવા કડક પગલાં ભરવાની તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટનગર ગાંધીનગરમાં આજે કોરોનાના ચાર નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદથી અવરજવર રોકવાની વિરોધ પક્ષના નેતાની માંગણી

ગાંધીનગરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી આવતા તમામ લોકો માટે પ્રવેશબંધી કરવાની માગણી ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ ગાંધીનગરમાં વધતા જતા કોરોનાને અટકાવવા માટે કડક પગલા લેવાની પણ માંગણી કરી છે. ગાંધીનગરમાં કોરોનાના વધી રહેલા કેસોમાં અમદાવાદથી આવતા નાગરિકોના સંક્રમણના કારણે ચેપ લાગવાથી વધી રહ્યા હોવાનો આંકડાકીય દાવો પણ તેમના દ્વારા કરાયો છે.

ગાંધીનગર-અમદાવાદ માર્ગ પર ફ્લેગમાર્ચ

ગાંધીનગરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા અમદાવાદ સાથે જોડાયેલા માર્ગો ઉપર ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ગાંધીનગરના કુડાસણ સરગાસણ પીડીપીયુ સહિતના વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરાઈ હતી. તેમજ સ્થાનિક લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવાની અપીલ પણ કરાઈ હતી.

ગાંધીનગરમાં આજે 4 નવા કેસ

કોરોનાના કેસ પર નજર કરીએ તો, આજે ગાંધીનગર જિલ્લામાં આજે 4 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. ચાર કેસ પોઝિટિવ આવતા ગાંધીનગર જિલ્લાના પોઝિટિવ કેસોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. ગાંધીનગર શહેરમાં 2 કેસ અને ગાંધીનગર ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર 3a ન્યૂમાં 32 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 2Bમાં 70 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કલોલમાં એક 63 વર્ષીય મહિલા અને રાંધેજામાં પણ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

(4:48 pm IST)