Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના સામેનો જંગ જીતનાર ૩ દર્દીઓને તબીબો, મેડિકલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે માનભેર વિદાય આપી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વધુ 3 કોરોના પોઝીટીવ લોકોએ કોરોનાને માત આપી છે. કોરોના સામે લડત આપી સ્વસ્થ થતાં તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે.ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે માનભેર દર્દીઓને વિદાય આપવામાં આવી હતી. આમ, બનાસકાંઠામાં પોઝિટિવ દર્દીઓમાં રિકવર રેશિયો પણ વધી રહ્યો છે જે તંત્ર માટે રાહતના સમાચાર છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરના ગઠામણ ગામમાં 21, ભાગળ ગામમાં 2, વાવ તાલુકામાં 6 અને થરાદમાં 1 કેસ નોંધાયો છે. જોકે આ તમામ પોઝિટિવ દર્દીઓની સારવાર પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં થઈ રહી છે. જેમાં ગઠામણ ગામની 4 વર્ષીય બાળકી સુલુફા ઢુંકા, 14 વર્ષીય અજય ચૌહાણ અને 19 વર્ષીય આશા પરમારનો સતત બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ગિફ્ટ અને ચોકલેટ આપવામાં આવી હતી. સાથે જ તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પાલનપુરની કોવિડ હોસ્પિટલમા સુપરિટેન્ડનટ ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું કે, આ ત્રણે બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ અપાયા છે. અન્ય પોઝિટિવ લોકોની સારવાર ચાલી રહી છે તે પણ જલ્દી સ્વસ્થ થઈ જશે. તો કોરોનાના માત આપનાર આશાબેન પરમારે કહ્યું કે, હું 16 દિવસથી સારવાર લઈ રહી હતી હવે હું બિલકુલ સ્વસ્થ છે હું ડોક્ટરોનો આભાર માનું છું.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે આજે ગઠામણના 3 બાળકો અને અગાઉ મીઠાવીચારણ ગામના 5 વર્ષના વર્ષીય બાળકે કોરોનાને માત આપતા કુલ 4 દર્દીઓને રજા અપાઈ છે. જેથી જિલ્લાવાસીઓમાં ક્યાંકને ક્યાંક આશાની લહેર પણ દેખાય છે.

(4:47 pm IST)