Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ફરી જન્મ લેવાનું મળે તો પુરૂષ થવુ છે : સ્ત્રી તરીકે જીવન જોયુ છે, પુરૂષની દૃષ્ટિએ પણ જોવું છે...

રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર બહુચર્ચિત પુસ્તક 'સાત પગલા આકાશમાં'ના સર્જક કુંદનીકા કાપડીયાની સોનલ સાગઠીયાએ અકિલા માટે ખાસ લીધેલ રસપ્રદ મુલાકાત : પોતાનામાં રહેલા ઉત્તમ મનુષ્યત્વને સિદ્ધ, કરવું તે મોટામાં મોટી સર્જકતા છે... : સ્ત્રી એટલે શકિતઃ આજના સામાજીક જીવનનું સત્ય નથી : સાહિત્ય સમાજ પરિવર્તન માટેનું મોટું પરિબળ છે... : દેહ- ભૂમિકાવાળા ઉર્ધ્વીકરણમાં ફાળો ન આપી શકે... : દરેક વ્યકિતને જીવન- મૂલ્યો શોધવાની- તે મુજબ જીવવાની તક મળવી જોઈએ... : આજનો યુવા- યુવતી વર્ગ ધનપ્રાપ્તિ પાછળ ઘસાડાયો છે : વર્ષ ૧૯૯૨માં વિખ્યાત સાહિત્યકાર કુંદનિકા કાપડીયા 'અકિલા'ની મુલાકાતે આવેલા તેની રસપ્રદ વાતચીત અક્ષરસઃ માણો

રાજકોટ, ૩૦ : ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચકક્ષાએ અને આદરભર્યુ સ્થાન પામનાર, ગુજરાતી લેખિકા તરીકે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મેળવનાર સાહિત્ય સર્જન ઉપરાંત વલસાડ પાસે નંદીગ્રામની સ્થાપના બાદ તથા આદિવાસીઓ માટે શિક્ષણ તબીબી સેવા, બહેનો માટે સિવણ ઉપરાંત આધ્યાત્મિક શિબિરો, એકાંત સાધના, પ્રાર્થના સત્સંગ જેવા સેવાકીય કાર્યોમાં સતત પ્રવૃત એવા વિદુષી મહિલા શ્રી કુંદનીકા કાપડીયા રાજકોટની ટૂંકી મુલાકાતે આવેલ. તે સમયે તેમના અસંખ્ય વાંચક વર્ગ માટે અકિલા દ્વારા લેવાયેલ મુલાકાત દરમિયાન કુ.સોનલ સાગઠીયાએ શ્રી કુંદનીકાબહેન સાથે કરેલ રસપ્રદ વાતચીતના અંશો અત્રે પ્રસ્તુત છે.

સોનલ સાગઠીયા સાત પગલા આકાશનું સ્ત્રી ઉત્થાનમાં પ્રદાન શું? સ્ત્રી ઉત્થાનના સાહિત્ય સર્જનથી સ્ત્રી ઉત્થાન શકય છે? સાત પગલા આકાશના લેખનનો તમારો હેતુ શો છે? સ્ત્રી જાગૃતિ - સ્ત્રી મુકિત કે અન્ય કોઈ?

કુંદનીકા કાપડીયા : મુંબઈની એસ.એન.ડી.ટી. કોલેજના શ્રી ઉષા ઠક્કર હમણા વલસાડની નારી - સંસ્થા અસ્તિત્વની મુલાકાત લીધી ત્યાર બાદ અસ્તિત્વના મુખ્ય સૂત્રધાર શ્રી બકુલા ઘાસવાલા અને શ્રી દિનાઝ કોન્ટ્રાકટરે જણાવેલ કે અસ્તિત્વની રચના પાછળ સાત પગલા આકાશમાં પુસ્તકની ઘણી પ્રેરણા છે. બીજા નારી સંગઠનોએ પણ એમાંથી પ્રેરણા, માર્ગદર્શન મેળવ્યા છે.

સાહિત્ય સમાજનું, સમાજ પરિવર્તન માટેું બહુ મોટુ પરિબળ છે. અમેરીકામાં અંકલ ટામ્સ કેબીન એ એક પુસ્તક નિગ્રો સલામીની મુકિતમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. રસ્કિનના અન્ટુ ધીસ લાસ્ટ પુસ્તક ગાંધીજીના વિચાર ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો અને ગાંધીજીએ ભારતના ફકત રાજકારણમાં જ નહિં, આખી દુનિયામાં એક પ્રબુદ્ધ જનમાનસ ઘડવામાં અજોડ ભૂમિકા ભજવી. સાત પગલા - પુસ્તક પણ પોતાની રીતે ગુજરાતણના સમાજ - જીવનમાં, કુટુંબ - જીવનમાં, સ્ત્રીઓ પ્રત્યેના અભિગમમાં અને સૌથી વધુ તો સ્ત્રીના પોતાના જીવનમાં હિંમત, શકિત અસ્મિતાની સભાનતામાં ઘણુ બધુ અર્પણ કર્યુ છે. તે આક્રોશ અને આક્રંદ નામના હમણા જ પ્રગટ થયેલા પુસ્તકમાંથી અને પુસ્તક પ્રગટ થયાને વર્ષો થઈ ગયા છતાં હજુ એ નિમિતે મારા પર આવતા પત્રો અને મને મળવા આવતી બહેનોની સંખ્યા પરથી ફલીત થાય છે.

સ્ત્રી સ્વતંત્ર્યની તમારી વ્યાખ્યા શી છે? કે મહેચ્છા શું છે?

સ્વાતંત્ર્ય એ શબ્દની અર્થ છાયા ઘણા સ્તરો પર વિસ્તરે છે, પરસ્પર - અવલંબનથી ટકી રહેલી આ સૃષ્ટિમાં પૂર્ણ સ્વતંત્ર તો કોઈ હોઈ જ શી રીતે શકે? પણ સામાન્ય અર્થમાં સ્વતંત્રતાનો મારે મન એ અર્થ છે કે મનુષ્યમાં જે કંઈ નિહિત શકિત છે તેના પૂર્ણ પ્રાગટ્યનો તેને અવસર આપવો, કોઈ અન્યાયી સામાજીક ધારાધોરણ કે કોઈ મનુષ્યના જોર - જબરદસ્તીથી બીજી વ્યકિતનું મન કે જીવન રૃંધાવુ જોઈએ નહિં. દરેક વ્યકિતને પોતપોતાની રીતે જીવન મૂલ્યો શોધવાની ને તે પ્રમાણે જીવવાની તક મળી રહે તેવી કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. કોઈ એક આખા વર્ગનું બીજા આખા વર્ગ પર વર્ચસ્વ હોય, તે પરિસ્થિતિ મનુષ્યત્વનું અપમાન કરનારી છે.

સાત પગલા આકાશની નારીનો રોષ અને આજના પુરૂષ પ્રધાન સમાજમાં નારીની દયનીય પરિસ્થિતિ માટે સ્ત્રી પોતે કેટલા અંશે જવાબદાર ગણી શકાય?

માણસ જેટલા અંશે પોતાના સ્વત્વના ભોગે સુખને સલામતી શોધે છે એટલા અંશે એ ગુલામ બને છે. દયનીય બને છે, સ્ત્રીઓની સૌથી મોટી નિર્બળતા અહિં જ રહેલી છે. પોતાના જીવન માટે પોતે જ જવાબદાર એવી જાગૃતિ તેનામાં આવે તો તે વધુ શકિતશાળી, હિંમતવાન બની શકે.

નારી મોર્ડન ગણવાના મોહમાં દેહ પ્રદર્શન કરતા અચકાતી નથી, પરંતુ અણી સમયે પ્રશ્નનો સામનો કે ર્ક્ષણ કેમ નથી કરતી? સ્ત્રી એટલે શકિત, તે શકિત સ્વબચાવમાં કેમ પ્રગટ થતી નથી?

સ્ત્રી એટલે શકિત : એ તો એક સૂત્ર તે કાંઈ આજના સામાજીક જીવનનું સત્ય નથી. સ્ત્રી એટલે શકિત તો પુરૂષ એટલે શકિત નહિં? આવા સૂત્રો ઘણી વાર ભ્રાન્તિ પેદા કરે છે. શકિત એ કેળવવાની, મેળવવાની બાબત છે. સ્નાયુ શકિત તો તેનો એક જ પ્રકાર છે. મનોબળ, દૃઢતા, ખુમારી, સ્વાભિમાન, વિરોધી બળો સામે ઝઝુમવાની, અન્યાયને નમનુ નહિં આપવાની પોતાનો માર્ગ પોતપોતે કંડારવાની, પોતાના વિકાસની સાચી દિશા શોધવાની હિંમત આ બધી શકિતઓ દરેકમાં સુપ્રપણે રહેલી જ હોય છે. તેને જાગૃત કરવી તે મુકિત ભણીના પગલા છે.

જાહેરાત ફિલ્મો વગેરેમાં પૈસા અને પ્રસિદ્ધિ ખાતર સ્ત્રીઓને ઓછા વસ્ત્રોમાં કે લગભગ નગ્ન કહી શકાય તે રીતે તથા આછકલી બતાવાય છે. સ્ત્રીઓ આ કાર્ય સ્વચ્છાએ સ્વીકારે છે. તો એ માટે માધ્યમ દોષિત ગણાય કે સ્ત્રીઓ?

કેવળ ધનપ્રાપ્તિ આજનો યુવક - યુવતી વર્ગ ઘસડાયેલો છે. તે બહુ સાંયનીય બાબત છે. દેહ પ્રદર્શન દ્વારા પ્રસિદ્ધિ ને પૈસાની પ્રાપ્િ ત કરવી, એ એટલી બધી નિમ્ન કક્ષાની બાબત છે કે એ માટે કોઈ વિવેચનની જરૂર નથી. કેવળ દેહની ભુમિકા પર જીવતા મનુષ્યો કદી સમાજની ચંતનાના ઉદ્ધર્વીકરણમાં પોતાનો ફાળો આપી શકે નહિં.

સતી બનવાના મોહમાં આપણી પૌરાણિક પ્રતિભાશાળી નારીએ એક યા અન્ય રીતે પણ પુરૂષોની ગુલામી સ્વીકારી હતી. પરંતુ આજે પણ સ્ત્રી સતિ થાય છે યા તો ચિતા પર ચઢાવી દેવાય છે ત્યારે સ્ત્રી મુકિતની વાતો કરવા સંગઠનો તેમની જવાબદારી નથી નિભાવતા તેમ ન કહેવાય?

સ્ત્રી સતી બને કે તેને ચિતા પર ચડાવી દેવામાં આવે એ માટે શું આખો સમાજ જવાબદાર નથી? સમાજની એક એક સ્રીએ શું એની સામે અવાજ ઉઠાવવો ન જોઈએ? માત્ર નારી- સંગઠનોનું જ આ કામ છે ? સમાજમાં કોઈ વિચારશીલ, ન્યાયપરાયણ, કરૂણાવાન બીજાં સ્ત્રી- પૂરૂષો છે જ નહિં? નારી મુકિત શબ્દ બાજુ પર મુકો. એક જીવતા મનુષ્યને કશા વાંક ગુના વગર બળજબરીથી સળગાવી મુકવામાં આવે અને એની સામે થોડાં નારી સંગઠનો સિવાય બીજા કોઈ કશો ઉહાપોહ ન કરે, એ સમાજ કેટલો નિર્વીર્ય કેટલો હિચકારો ને કેટલો હતભાગી ગણાય !

મહિલા સામયિકોમાં આવતી વાચન સામગ્રી મોટેભાગે બુદ્ધિગમ્ય ન હોતાં અર્થવિહિન તેમજ જુગુપ્સા પ્રેરક વધુ હોય છે. તો આવા સામાયિકા તરફ જાગૃત લેખીકાઓ શા માટે જેહાદ નથી જગાવતી?

એક વિષવર્તુળ છે અમુક કક્ષાની સામગ્રી પીરસવામાં આવે છે ને લોકો તે વાંચે છે. લોકો વાંચે છે તેથી તેવી સામગ્રી પીરસાય છે પણ જુદા પ્રકારની સામગ્રી નથી આપવામાં આવી તેવુ નથી. ગુજરાતના નારી-સંગઠનો તરફથી નારી- મુકિત સામીયક નીકળે છે. વડોદરાની સહિયર અને અમદાવાદની ઓળખ સંસ્થા દ્વારા  પણ આ દિશામાં કામ થાય છે. તમારા પ્રશ્નોમાં કંઈક એમ ગૃહિત છે કે જાગૃતિના આ પ્રયત્નો માટેની ફરજ  કેવળ સ્ત્રીઓની કે લેખીકાઓની જ છે. હકીકતમાં અન્યાયી સમાજ- રચનાને બદલવા માટે સર્વ જાગૃત વિચારક જોઈએ. તમારા પત્રે પણ આ દિશામાં વધુ સક્રિય બનવું જોઈએ.

તાજેતરમાં વિશ્વનું શ્રેષ્ઠ એવું નોબલ પારિતોષિક સાહિત્ય સર્જન માટે એક સ્ત્રી લેખીકા ટોની મોરીસનને મળે ત્યારે આપના પ્રતિભાવો  શા છે?

નોબલ પુરસ્કાર શ્રેષ્ઠ સાહિત્ય સર્જન માટે મળે છે, એના રચયિતા સ્ત્રી હોય કે પુરૂષ હોય, તેથી શો ફરક પડે છે? હા એટલો આનંદ જરૂર થાય કે પારિતોષિક માટેની નિર્ણાયક સમિતિના જો કેવળ પુરૂષો જ હોય, તો તેમણે સ્ત્રી સર્જક પ્રત્યેં પૂર્વગ્રહ દાખવ્યો નથી. સાત પગલા આકાશમાં ને પાંચ જેટલા એવોર્ડ મળ્યા છે. ને તેમાં મોટાભાગે પુરૂષો નિર્ણાયકો હતા, પણ નિર્ણય લેવામાં પુરૂષ દ્રષ્ટિ ન રહેતા સાહિત્ય- દ્રષ્ટિ રહી હતી. તે સ્વચ્છ દ્રષ્ટિ માટે આનંદ જરૂર થાય.

આપના લેખનમાં શ્રી મકરન્દભાઈનો ફાળો શો છે?

મારા લેખનમાં મકરન્દનો ફાળો એ રીતે છે કે અમે જે કાંઇ પણ લખીએ તે પહેલા એકબીજાને વંચાવીએ, ને તેમાં પસાર થાય પછી તેજ કૃતિ છાપવા માટે મોકલીએ. તમારા પ્રશ્નોના આ જવાબ હું નંદિગ્રામમાંથી નહિં. બીજા શહેરમાંથી લખું છું. નહિ તો આ બધું પણ પહેલા મેં તમને વંચાવ્યું હોત. અમારો પરસ્પર સંબંધ આનંદનો સબંધ છે. મારૃં લેખન તેનાથી વિરૂદ્ધનું નથી. ઉલટાનું તે દિશા તરફ જવા માટેના ઘણા સંકેતો એમાં છે. ઇશા ને સ્વરૂપની વાત નથી વાંચી? ઇશા નવલકથા લખે છે ત્યારે સ્વરૂપ તેના માટે કોફી બનાવીને ટેબલ પર મુકી જાય છે, પણ આ બાબત સમાજાં અપવાદ છે. વાસ્તવિકતા શું છે તે તમે જાણો છો, હું જાણું છું, કરોડો સ્ત્રીઓ જાણે છે, સંઘર્ષમય જીવનમાંથી સંવાદમય, સંગીતમય જીવન ભણી જવું એ જ તો જીવનની સાર્થક યાત્રા છે, મારૃં લખવું એને માટે છે.

આપે સ્થાપેલ નંદિગ્રામની પ્રવૃતિઓ અંગે માહિતી આપશો?

પ્રવૃતિઓમાં મુખ્યત્વે આરોગ્ય અને શિક્ષણલક્ષી છે. અમારે ત્યાં દવાખાનું, પેથોલોજીકલ ટેસ્ટ માટેની લેબોરેટરી, મેડિકલ કેમ્પ, નિષ્ણાંત ડોકટરોની સેવાઓ, ગૌશાળા, રાસાયણિક ખાતર વગરની ખેતી, બાલવાડી, બાળકોની શિબિરો, ૧૦મી ૧રમીમાં પસાર નહિં થઇ શકેલા આદિવાસી યુવાનો માટે વાયરમેન, મોટર રિવાઇન્ડિંગ, ટી.વી. રેડિયો રિપેર, બહેનો માટે સીવણ વગેરેનો વર્ગોની પ્રવૃતિ ઉપરાંત પ્રાર્થના સત્સંગ, સ્વાધ્યાય, એકાંત સાધના, આધ્યાત્મિક શિબિરો વ. પ્રવૃતિઓ થાય છે.

જે હેતુથી નંદિગ્રામની સ્થાપના કરી તેમાં કેટલા અંશે તમે સફળતા મેળવી શકયા છો?

નંદિગ્રામ સેવા ને સાધનાનું કેન્દ્ર છે. શહેરની નિષ્ઠુર યંત્ર-સંસ્કૃતિ, પૈસા પાછળની ગાંડી દોટ દંભ, સ્વાર્થ, ભ્રષ્ટાચાર-આ બધાથી સંસ્થા ભિન્ન સર્વસ્તરે પ્રદુષણરહિત સાત્વિક જીવન પદ્ધતિ વિકસાવવી એ માટેનું વાતાવરણ નિર્માણ કરવું કે નંદિગ્રામની રચના પાછળનો હેતું છે. સાદાઇ-સહકાર અને સાધના વડે અહિંનું જીવન સંચાલિત થાય છે.

આ બધી પ્રવૃતિઓ સમાજ તરફથી મળતી સહાય વડે ચાલે છે. વાંચકોને પણ મારી અપીલ છે કે ફકત પોતાના માટે ન જીવતાં, સમાજના છેવાડે રહેલા વંચિત વર્ગ માટે પણ થોડી ખેવના કરે આ કાર્યની સફળતા તમારા સૌના સહકાર પર જ આધારિત છે.

આજની તકે તમને ફરી નવો જન્મ લેવાની પસંદગી આપવામાં આવે તો તમે શું થવું પસંદ કરશો? સ્ત્રી કે પુરૂષ?

ફરી જન્મ લેવાનું મળે તો પુરૂષ થવાનું એટલા માટે ઇચ્છું કે સ્ત્રી તરીકે મેં જીવનને જોયું છે, તો પુરૂષની દૃષ્ટિએ પણ જોઉં તે પછી બન્નેના સમન્વયમાંથી સ્ત્રી ને પુરૂષ એવા ભેદથી પર ઉઠતું વ્યકિતત્વ મેળવી શકે.

આજની પેઢીનાં યુવકો-યુવતિઓ માટે શો સંદેશ છે?

આજના યુવાન-યુવતીઓને સંદેશો એ જ છે કે પોતામાં રહેલા ઉત્તમ મનુષ્યત્વને સિદ્ધ કરવું તે મોટામાં મોટી સર્જકતા છે.

(4:14 pm IST)