Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

આવતીકાલે ગુજરાત રાજયનો સ્થાપના દિન...

૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્ર અલગ પ્રદેશ હતો, ગુજરાતને પણ અલગ રાજય બનાવવાને બદલે મુંબઇ રાજયમાં જોડી દેવાયુ

૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ.. જય જય ગરવી ગુજરાત..: રવિશંકર મહારાજના વરદ હસ્તે થયો હતો આરંભઃ મહારાષ્ટ્ર દિન અને વિશ્વ મજુર દીન પણ આવતીકાલે જ....

વાપીઃ તા.૩૦, આવતીકાલે એટલે કે ૧લી મે ગુજરાત રાજયનો સ્થાપના દિન ગુજરાતની સ્થાપના ને ૬૦ વર્ષ પુર્ણ થઇ રહયા છે.  ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

ઉત્તર મા અંબે.. પૂર્વમાં કાલીમાતા.. દક્ષિણમાં કુતેશ્વર .. સોમનાથ, દ્વારકેશએ પશ્ચિમ કેરા દેવ..જય જય ગરવી ગુજરાત..

૧લી મે ૧૯૬૦ના રોજ પૂ. રવિશંકર મહારાજના આર્શીવચનથી ગુજરાત રાજયની સ્થાપના કરવામાં આવી. અલગ ગુજરાતની રચના માટેની લાંબી ચળવળને પરીણામે આ દિવસ જોવા મળ્યો.

દ્રિભાષી મુંબઇ રાજયનું થયુ વિભાજન.. બોમ્બે રાજયમાંથી ૧લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજયો બન્યા. કહેવાય છે કે ''ગુજરાત'' શબ્દ જ ગુર્જર જ્ઞાતિઓ પરથી આવ્યો છે. સદીઓ પહેલા હાલના ગુજરાતના પ્રદેશમાં દ્વવીડો અને ત્યારબાદ આર્યો વસતા હતા પરંતુ કહેવાય છે કે પાંચમી સદીમાં ઉત્તર ભારતમાંથી ગુર્જરોએ આવીને આ ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવી.

 આ વેળાએ સરસ્વતી નદી થી  શરૂ કરીને રાજસ્થાનના જોધપુરની પેલે પાર સુધીના વિસ્તારમાં ગુર્જરોએ વસવાટ શરૂ કર્યો અને તેનુ પાટનગર બન્યુ બીલમાલ.

  એ  વેળાએ વલસાડથી ભરૂચ સુધીનો પ્રદેશ ભૃગુકચ્છ, ભરૂચથી મહાનદી સુધીનો પ્રદેશ માલવમહીથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ (હાલનું ખેડા) હાલના અમદાવાદ જીલ્લાનો પ્રદેશ આશાપલ્લવી તરીકે ઓળખાતો હતો.

જયારે હાલનું સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડનો  પ્રદેશ વલ્લભી તેમજ સૌરાષ્ટ્રમાં વહેચાયેલો હતો. જયારે ઉ.પ્રદેશ ઉજિજવાની તરીકે ઓળખાતો હતો. એક સરખા સંસ્કાર ધરાવતી ગુર્જર પ્રજાએ પોતાની આકારમાં સમાવી લીધા હતા.

કહેવાય છે કે ગુર્જર પ્રજાના મેઘાવી રાજા મુળરાજ અને તેના વંસજો એ એક વિશાળ ભાગમાં પોતાની સતા સ્થાપીને તેને ''ગુર્જરેશ્વર'' નામ આપ્યું હતુ. આ જ રાજાઓના સમયમાંં મોટાભાગે  ગુજરાત તરીકે ઓળખાતો થયો અને ગુજરાત નામ અસ્તિત્વમાં આવ્યું તેમ મનાય છે.

 ભલે નામ અસ્તિત્વમાં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને અલગ ઓળખ નહતી મળી. ૧૯૪૭માં જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્ર અલગ પ્રદેશ હતો. ત્યારે ગુજરાતને પણ અલગ રાજય બનાવવુ જોઇતુ હતુ. પરંતુ તેમ કરવાને બદલે તેને મુંબઇ રાજયમાં જોડી દેવામાં આવ્યું.

એ વેળાએ ગુજરાતની પ્રજાને આ બાબતનો ખુબ જ વિરોધ કર્યો હતો. જો કે તત્કાલીન કેન્દ્ર સરકારે આ માંગણી ના સ્વીકારી તો ના જ સ્વીકારી મુંબઇ રાજયનું પાટનગર મુંબઇ હોવાને કારણે ગુજરાતીઓએ કોઇપણ નાના મોટા વહીવટી  કામ માટે ફરજીયાત પણે મુંબઇ જવુ પડતુ. આગળ જતા ૧૯૫૫-૫૬ માં આ બાબતે ગુજરાતીઓનો વિરોધ ઉગ્ર થવા લાગ્યો.

શરૂ થયો સભાગૃહ.. અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા, શ્રી ભટ્ટ તેમજ હરીહર ખંભોળજાની આગેવાનીમાં અલગ ગુજરાત રાજયની માંગણી સાથેનું આંદોલન છોડાયું..

૨૬ દિવસ સુધી ચાલ્યો સત્યાગ્રહ. આ પ્રશ્ને તો અનેક આંદોલન કારીઓએ પોતાના જીવખોયા-કેન્દ્ર સુધી પડયા પડઘા.. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ આ પ્રશ્નનો હલ લાવવા મજબુર બન્યા આશરે ૪ વર્ષની લાંબી લાત બાદ કાંઇક ઉકેલ આવ્યો.

બોમ્બે રાજયમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજય વિભાજનનો નિર્ણય લેવાયો કહેવાય છે કે ૨૩મી એપ્રિલ ૧૯૬૦ના રોજ આ નિર્ણયને રાજયસભામાં પણ મંજુરી મળી. અને ૨૫મી એપ્રિલ રાષ્ટ્રપતિએ પણ આપી મંજુરી.. મંત્રી મંડળની થઇ ઘોષણા..

આખરે એ સુર્વણ દિવસ આવ્યો ૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતને અલગ રાજય  તરીકે સ્થાપીત કરવામાં આવ્યું પ.પૂ.શ્રી રવિશંકર મહારાજના હસ્તે આ રાજયની રચનાનો થયો આરંભ.. જય જય ગરવી ગુજરાત....

આ વાતને જોતમેતામાં ૬૦ વર્ષ વીતી ગયા આજે અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત ગુજરાત  અનુભવી અને પુખ્ત થઇ બેઠો છે. અનેક રાજયોની સરખામણીમાં અનેક ક્ષેત્રે ગુજરાત અને અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. ગુજરાત વિશે લખવા બેસીએ તો દિવસો ખૂટે...

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીમાં ફસાયું છે. ત્યારે પણ આપણું ગુજરાત ધીરજ અને હિંમત સાથે કોરોનાની આ મહામારી સામે બાથ લડી રહ્યું છે. આ કપરી સ્થિતિમાં મા ભોમને પ્રાર્થના કે અન્ય મુસીબતોની જેમ આ મુસીબતમાંથી પણ ગુજરાતને હેમખેમ ઉગારે...

 આવતીકાલે ૧લીમે ૨૦૨૦ના રોજ ગુજરાત સ્થાપનાને ૬૦ વર્ષ પુર્ણ થઇ રહયા છે. અને ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ થશે..... 

જય જય ગરવી ગુજરાત..

(3:11 pm IST)