Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

લોકડાઉન વચ્ચે ચીલઝડપ !!! : સુરતમાં શાકભાજી લેવા નીકળેલા માત્ર 15 મિનિટમાં બે લોકોને નિશાન બનાવ્યા

બાઈક પર આવેલા બે યુવાનો મોબાઈલ તફડાવી ભાગી ગયા

સુરત :  કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પોલીસ પણ આ લૉકડાઉનનો કડક અમલ કરતી અનેક વિસ્તારમાં દેખાઇ છે. ત્યારે આ લૉકડાઉન વચ્ચે પગપાળા શાકભાજી લેવા માટે નીકળેલા એક રત્નકલાકાર અને કુલીને નીશાન બનાવી મોટરસાઇકલ પર આવેલા યુવાનો મોબાઇલ તફડાવીને ભાગી ગયા હતા. આ માત્ર 15 મિનિટમાં બન્યું છે  સ્થાનિક પોલીસે સીસીટીવી (CCTV)ના આધારે તપાસ શરૂ કરી છે.

અમરોલી-જૂના કોસાડ રોડ સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્ષમાં રહેતો રત્નકલાકાર ભાનુભાઇ અરજણ બારૈયા સવારના સમયે ઘરેથી પગપાળા શાકભાજી લેવા જવા માટે નીકળ્યો હતો. દરમિયાન અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી મોટરસાઇકલ પર મોબાઇલ સ્નેચર ઘસી આવ્યો હતો અને શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5 હજારની મત્તાનો આંચકીને ભાગી ગયો હતો. ભાનુભાઇએ ચોર-ચોરની બૂમરાણ મચાવી હતી પરંતુ લૉકડાઉન હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ન હતી. જોકે, તેમને મોટરસાઇકલનો નંબર 5650 હોવાનું નજરે પડતા આ અંગેની જાણ પોલીસને કરી હતી.
જયારે ભરથાણા ગામ સ્થિત ખોડિયારનગરમાં રહેતો કુલી લક્ષ્‍મણ હેમાજી ડાયમા ગતરોજ સવારે 8 વાગ્યાના અરસામાં ઘરેથી પગપાળા શાકભાજી લેવા નીકળ્યો હતો. આ દરમિયાન રજવાડી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર ઘસી આવેલા સ્નેચરે લક્ષ્‍મણના શર્ટના ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફોન કિંમત રૂપિયા 7 હજારની મત્તા આંચકીને ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે લૉકડાઉન વચ્ચે પણ મોબાઇલ સ્નેચર સક્રિય જણાય રહ્યા છે. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)