Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદમાં કોરોના પ્રભાવિત કોટ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસથી પેટ્રોલિંગ

પોળો કે સોસાયટી અથવા ચાલીમાં રાત્રે એકઠા થયેલા લોકો સામે નોંધાશે ગુન્હો

અમદાવાદમાં કોરાનાનું સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને જ્યાં કોરાના પોઝિટિવ કેસની સંખ્યા વધારે છે તેવા કન્ટેન્મેન્ટ એરિયા દરિયાપુર, શાહપુર, જમાલપુર સહિતના કોટ વિસ્તારોમાં ટુ વ્હીલર સહિતના વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે, જ્યારે શાહપુરમાં હવે નાઇટ વિઝન ડ્રોનની મદદથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે, જેથી રાત્રે લોકો રખડતા હશે કે ટોળે વળીને બેઠેલા પકડાશે તો તેમની સામે ગુનો નોધી ધરપકડ કરવામાં આવશે.

અમદાવાદમાં ૨૮ ડ્રોન તથા સીસીટીવી કેમેરાથી લોક ડાઉનના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં કોટ વિસ્તારમાં કેટલાક લોકો એકઠા થતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે જેેથી શાહપુરમાં નાઇટ વિઝન કેમેરા વાળા ડ્રોનની મદદથી પટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.પોળો કે સોસાયટી અથવા ચાલીમાં રાત્રે લોકો એકઠા થયેલા પકડાશે તો પોલીસ તેમની સામે ગુનો નોધીને ધરપકડ કરશે ઉપરાંત ૨૨ ઘોડે સવાર પોલીસ દ્વારા શહેરના કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે.

પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ સમગ્ર અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, કોટ વિસ્તાર બાદ હવે વસ્ત્રાપુર , વાડજ, વેજલપુર, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં દિન પ્રતિદિન કોરોના કેસ વધી રહયા છે. જેથી આખા અમદાવાદમાં લોક ડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, કોરોનાનો રોગચાળો પ્રસરતો અટકાવવા માટે કોટ વિસ્તારના લોકો ખોટા બહાના કાઢીને પશ્વિમ વિસ્તારમાં આવે નહી અને પશ્વિમ વિસ્તારના લોકો કોટ વિસ્તારમાં જાય નહી તે માટે કોટ વિસ્તારને જોડતા ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ અને નહેરુબ્રિજને બંધ કરવામાં આવ્યા છે.

(12:49 pm IST)