Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

આરોપીની ગેરકાયદે અટકાયત ન ગણાય તે માટે કાયદાવિદો સાથે ચર્ચા બાદ નવી નીતિ ઘડી કાઢતા આશિષ ભાટિયા

આરોપીના કોરોના ટેસ્ટના પરીણામ સુધી પોલીસ જાપ્તામાં કોરોન્ટાઇન રખાશેઃ પોણો ડઝન : મુદ્દાઓ તૈયારઃ મ્યુનિસિપલ કમિશ્નર-જેલ તંત્ર-અદાલતો અને હોસ્પિટલોને મહત્વના નિર્ણયોની અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વિધિવત જાણ

રાજકોટ, તા., ૩૦: કોરોના વાયરસ સંદર્ભે ગુજરાતના વિવિધ આરોપીઓને જેલમાં મોકલતા સમયે  તેઓનો મેડીકલ ટેસ્ટ કરવાની જવાબદારી પોલીસને સુપ્રત કરવાના નિર્ણય બાદ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મુજબ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા સમયે તથા જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલતા અગાઉ શું શું કાર્યવાહી કરવી ? તે માટેની  પબ્લીક પ્રોસીકયુટર મિતેષ અમીન વિગેરે સાથે ચર્ચાઓ કરી ચોક્કસ નીતિઓ ઘડી કાઢવામાં આવી છે.

અત્રે યાદ રહે કે કોવીડ-૧૯ના ટેસ્ટના રિઝલ્ટ આવવામાં જે સમય જાય છે તેવા સમયે ગેરકાયદે અટકાયતનો પ્રશ્ન ન રહે તે માટે ખાસ નીતિઓ નક્કી કરવામાં આવી છે.  આનો અમલ અમદાવાદથી શરૂ થયો છે. જે સંદર્ભે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા માર્ગદર્શીકા જાહેર કરી આ અંગેની જાણ અમદાવાદના તમામ પોલીસ અધિકારીઓ અદાલતો, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટો, મ્યુનિસિપલ કમિશ્નર અને જેલ અધિક્ષકને આ બાબતે જાણ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુન્હામાં જામીન આપી શકાય તેવું ન હોય તેવા કેસમાં અદાલતમાં રજુ કરતા અગાઉ કોવીડ-૧૯  ટેસ્ટ કરાવો, વિધિવત અટક પણ તાત્કાલીક ટેસ્ટ કરાવ્યા બાદ જ કરવી. આરોપીના ટેસ્ટની જાણ સગાઓને કરવી. ટેસ્ટના પરીણામ બાદ જ વિધિસર ધરપકડ થશે તેવી જાણ પણ કરવી. આરોપીના ટેસ્ટનું પરીણામ ન આવે ત્યાં સુધી પોલીસ નિગરાનીમાં કોરોન્ટાઇન રાખવો. પોઝીટીવ રીપોર્ટ આવ્યે પ્રથમ સારવાર કરાવી, નેગેટીવ હોય તો ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા.

આરોપીના ટેસ્ટના તમામ કાગળો કેસ ડાયરી, ડોકટર પાસે મોકલ્યાનો સમય વિગેરે બાબતોની તારીખ, વાર અને સમય મુજબ નોંધ કરી રેકોર્ડ રાખવા પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ સુચવ્યાનું બહાર આવ્યું છે.

(12:40 pm IST)