Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

'સાત પગલા આકાશમાં'ની લેખિકા અને 'નંદીગ્રામ'ના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી ઈશા- કુન્દનિકા કાપડીયાનું દુઃખદ નિધન

મુંબઈમાં નવનીત ગુજરાતી ડાયજેસ્ટના સંપાદક તરીકે કારકીર્દી શરૂ કરેલીઃ પ્રથમ વાર્તા 'પ્રેમના આંસુ' હતીઃ 'સાત પગલા આકાશ'ને સાહિત્ય અકાદમી સહિત છ પારિતોષીક મળેલા

મકરંદભાઈ દવે સાથે કુંદનિકાબેન કાપડીયાની નંદીગ્રામ ખાતે લેવાયેલી એક યાદગાર તસ્વીર.

રાજકોટઃ વલસાડ જીલ્લામાં ધરમપુર પાસે આવેલ તીર્થધામ નદિગ્રામના સ્થાપક ટ્રસ્ટી અને સાંઈ કવિ મકરંદ દવેના અર્ધાંગિની ઈશા- કુન્દનિકા કાપડીયાનું તા.૨૯ના એપ્રીલની મધ્યરાત્રિએ નંદિગ્રામ મુકામે દોઢેક વર્ષની ટૂંકી માંદગીમાં ૯૩ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે.

તેઓનો જન્મ ૧૯૨૭ની જાન્યુઆરીની અગિયારમી તારીખે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ગામે થયો હતો. તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં પોલીટીકલ સાયન્સના વિષય સાથે બી.એ.નો અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં નવનીત ગુજરાતી ડાયજેસ્ટના સંપાદક તરીકે કાર્યની શરૂઆત કરેલી. મુંબઈના રહેઠાણ દરમિયાન લેખન કાર્યની શરૂઆત એમની પ્રથમ વાર્તા 'પ્રેમના આંસુ'થી થયેલી. આ વાર્તાને વિશ્વવાર્તા સ્પર્ધામાં ગુજરાતી ભાષામાં દ્વિતિય ઈનામ મળ્યું હતું. આથી પ્રેરાઈને એમનો સાહિત્ય જગતમાં પ્રવેશ થયો અને પછી અનેક યશસ્વી નવલકથાઓ ''સાત પગલાં આકાશમાં''ને ભારતીય સાહિત્ય અકાદમીનાં પારિતોષિક સહિત છ પારિતોષિક પ્રાપ્ત થયા હતા અને આ નવલકથાનો હિન્દી, મરાઠી, રાજસ્થાની, કન્નડ, સિંધી અને અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ થયો છે.

સાંઈ કવિ મકરન્દ દવે સાથે લગ્ન થયા બાદ એમના જીવનમાં ઈશ્વરી તત્વનો પ્રવેશ થયો અને શ્રધ્ધાનો સંચાર થયો સાંઈ મકરન્દ એમને અદીઠા અસ્તિત્વોની ઓળખ કરાવી, ઈશ્વરપ્રીતિથી પૂર્ણપણે રસાયેલ વ્યકિત સાથેનું સહજીવન સર્વથા નવા જ પ્રદેશમાં વિહરતું થયું. મહાનગર મુંબઈથી નિષ્ક્રમણ, કરોડ ઉપરાંતની વસ્તી ધરાવતી નગરી છોડી માંડ માંડ પાંચેક હજારની વસ્તીવાળા ગામમાં કુદરતના ખોળામાં નંદિગ્રામનું સર્જન કરી સેવા અને સાધનાનું જીવન શરૂ થયું. નંદિગ્રામના વસવાટે એના કાર્યો અને પ્રકૃતિના સાંનિધ્યે ઈશા- કુન્દનિકાએ ઘણું  જીવનનું ઉત્તમ પ્રાપ્ત કર્યું. 'નંદિગ્રામ'ના વસવાટે એમને વિશ્વ પ્રાર્થના અને આધ્યત્મિક જગતના પ્રરિયામાં લાવી 'પરમ સમીપે',  'અંતરના ઉધ્પ્રતા દ્વાર' વગેરે સંપાદનો કરાવ્યા અને પચાસ ઉપરાંત પુસ્તકોનું સર્જન કરાવ્યું.

એમના અનેક સાહિત્મિક સર્જનો સાથે 'નંદિગ્રામ'નું સેવા- સાધનાના કેન્દ્રનું સર્જન જીવનના દ્વારે ઉત્તમ ભેટ બની રહેલ છે.

એમનું વાકય ''નંદિગ્રામ આત્માનું આંનદધામ'' અવિસ્મરણીય બની ગયું છે.

(11:30 am IST)