Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગુજરાતની અંદર - બહાર ફસાયેલાઓને વતનમાં પહોચાડવા માટે ૧૬ અધિકારીઓને જવાબદારી

આઇએએસ - આઇપીએસ અધિકારીઓ હસ્તક વ્યવસ્થાઃ સચિવ ધનંજય દ્વિવેદી રાજ્ય કક્ષાના નોડલ ઓફીસર

રાજકોટ તા. ૩૦: ભારત સરકારે લોકડાઉનના કારણે  જુદા જુદા રાજ્યોમાં ફસાઇ ગયેલા લોકોને પોતાના વતનમાં જવા શરતી છૂટ આપતા તે અંગે ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓ, શ્રમિકો, પ્રવાસીઓ વગેરે ગુજરાતના વતની હોવા છતાં ગુજરાત બહાર ફસાઇ ગયા હોઇ અથવા પરપ્રાંતના વતની હોઇ અને ગુજરાતમાં ફસાઇ ગયા હોય તેમને નિયત સ્થાને પહોંચાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવા આઇએએસ અને આઇપીએસ કક્ષાના  ૧૬ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.  આ કાર્યવાહી માટે રાજ્ય કક્ષાના નોડલ ઓફીસર તરીકે  જળસંપતિ વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીની નિમણુંક કરવામાં આવી છે.

ઓરિસ્સા માટે એમ.થેન્નારાશન અને નીરજા ગોટરુરાવને તથા બિહાર અને ઝારખંડ માટે અનુપમ આનંદ અને કે.કે. ઓઝાને જવાબદારી સોંપાઇ છે.યુપી અને  ઝારખંડને લગતી કામગીરી માટે લોચન સહેરા તથા વિનોદ મલ તેમજ દિલ્લી -પંજાબ, હિમાચલ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને લડાખને લગતી કામગીરી માટે  રૂપવંતસિંહ તથા અનિલકુમાર પ્રથમ જવાબદારી સંભાળશે. મધ્યપ્રદેશ રાજસ્થાન અને  છત્તીશગઢનો હવાલો રાજેશ માંજુ અને અર્ચના શિવહરેને સોંપાઇ છે. બંગાળ અને ઉત્તરપૂર્વિય રાજ્યો માટે હર્ષદ પટેલ અને વાગ્મિન જામીર કામગીરી કરશે.કર્ણાટક , તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરાલાની જવાબદારી પી.ભારતી અને વી.ચંદ્રશેખરને સોંપાઇ છે.  મહારાષ્ટ્રમાં મોકલવાના થતાં લોકોને અથવા ત્યાથી લાવવાના થતાં લોકોને લગતી કામગીરી રાકેશ શંકર અને હસમુખ પટેલને સોંપવામાં આવી છે.રાજ્યવાર  એક એક  આઇએએસ અને એક એક આઇપીએસ અધિકારી મુકવામાં આવ્યા છે.

(11:16 am IST)