Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં વિરમગામ ખાતે સેમ્પલ લેવાયા

દરેક સેમ્પલ લીધા પહેલા અને પછી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન સેનીટાઇઝ કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :તાજેતરમાં જ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ કોવિડ-૧૯  મોબાઈલ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત કોવિડ-૧૯  મોબાઈલ ટેસ્ટીંગ વાન બુધવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આવી હતી. કોવિડ-૧૯  મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં ૧૩ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિરમગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતિષ મકવાણા, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.સ્વામિ કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ કોવિડ-૧૯  મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરેક સેમ્પલ લીધા પહેલા અને પછી વાન સેનીટાઇઝ કરવામાં આવી હતી.

    અત્રે ઉલ્લેખનિય છે કે, ફાસ્ટ  ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી  સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર પુરવાર થશે. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. જો કે આ રોગનું સંક્રમણ વધતુ અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વગ્રાહી પગલા લેવાય જ છે. પરંતુ આ રોગ અમદાવાદ જિલ્લામાં ફેલાય નહી તે માટે જિલ્લા તંત્ર દ્વારા પણ વિશેષ તકેદારી રાખીને  સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત રક્ષાત્મક પગલા લેવાય છે.  તેના ભાગ રૂપે આ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા સર્વ પ્રથમ અમદાવાદ જિલ્લાને પ્રાપ્ત થઈ છે. આરોગ્ય કર્મીઓની સલામતીને ધ્યાને લઈને આ કર્મીઓ સલામત અંતર રાખીને કોઈ પણ દર્દીનું સેમ્પલ લઈ શકશે તેવી સુવિધા છે.

(11:53 pm IST)