Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી યુવતીનું પર્સ લૂંટનો પ્રયાસ

પગમાં પર્સ દબાવી રાખતા લૂંટારુ પર્સ લૂંટવામાં અસફળ ;નીચે પટકાતા એક લૂંટારુ ઝડપાયો :બે ફરાર

અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી એક્ઝિકયુટિવ તરીકે નોકરી કરતી યુવતીના પર્સની લૂંટનો પ્રયાસ થયો હતો જોકે પર્સ પગમાં દબાવી રાખતા લૂંટારુઓ અસફળ થયા હતા તેવામાં એક લૂંટારુ નીચે પટકાતા તેને ઝડપી લેવાયો છે જયારે બે નાશી છૂટયા હતા સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

   આ અંગેની વિગત મુજબ નરોડામાં આવેલા નીલકમલ ટેનામેન્ટમાં રહેતી અને અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સમાં સિક્યોરિટી એક્ઝિકયુટિવ તરીકે નોકરી કરતી ખુશબૂ અમીન (ઉંં.વ.ર૯) ગઇ કાલે રાત્રે પોતાની ડ્યૂટી પૂરી કરી ૧૦-૩૦ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહી હતી ત્યારે સુર‌િભ રેસ્ટોરાંના પાછળના રસ્તા પર પાછળથી એક્ટિવા પર ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા.એક્ટિવા નજીક લાવી એક ઇસમે ખુશબૂના એક્ટિવામાં પગ પાસે રહેલું પર્સ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ખુશબૂએ પર્સ પગ નીચે દબાવી દેતાં એક્ટિવા ચાલક નીચે પટકાયા હતા. ખુશબૂએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરમિયાનમાં બે લૂંટારાઓ એક્ટિવા લઇ ફરાર થઇ ગયા હતા, જ્યારે એક લૂંટારુને લોકોએ ઝડપી લીધો હતો. પોલીસને જાણ કરાતાં સરદારનગર પોલીસ દોડી આવી હતી. પોલીસે લૂંટારુની ધરપકડ કરી અન્ય લૂંટારુઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(9:23 pm IST)