Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ધોલેરા તાલુકાના ૪૦ ગામોમાં સ્મશાનભઠ્ઠી

પર્યાવરણને બચાવવામાં ઉપયોગી

અમદાવાદ, તા.૩૦ : બ્રહ્મર્ષિ સ્વાસ્થ્ય અને શિક્ષણ સંસ્થાન દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, સરપંચો તેમજ ગ્રામજનો અને દાતાઓના સહયોગથી અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, બાવળા અને ધોલેરા તાલુકાના ગામોમાં ઓટલા, સ્મશાનભઠ્ઠી, છાપરી લગાવી, શાંતિઘાટ બનાવવાનું પવિત્ર કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્યના ભાગરુપે ધોલેરા તાલુકામાં તમામ  ૪૦ ગામોમાં સ્મશાન ભઠ્ઠી, ઓટલા સાથે મુકવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રશિકભાઈ રાવલ અને સાથીઓના સહયોગથી આ કાર્ય જુદા જુદા સ્થાને સંપન્ન થઇ રહ્યું છે. ૨૮ એપ્રિલના રોજ ધોલેરા તુલાકના મોટા હનુમાનજી મંદિરના પવિત્ર સ્થાન કમિયાળા ગામમાં શાંતિઘાટ લોકાર્પણનો કાર્યક્રમ ગામના સરપંચ ઘનશ્યામસિંહ વણાર, સ્કુલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે હનુમાનજી મંદિરના મહંત, સંસ્થાનના મંત્રી ડો. બીબી જાની, બાબુભાઈ ચાવળા, એચકે ઠાકર સહિત ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.  સ્મશાનભઠ્ઠી મુકવાથી અગ્નિદાહ સમયે ૧૫૦ કિલો લાકડાનો બચાવ થાય છે જે પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી બને છે.

(9:01 pm IST)