Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન કાલે થી શરૂ કરાશે

ખારીકટ કેનાલની સફાઈ કામગીરી કરાશે : નીતિન પટેલ મહેસાણા જિલ્લાના લાઘણજમાં પહોંચશે

અમદાવાદ,તા.૩૦ : આવતીકાલે પહેલી મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના રાજ્ય સરકારના નેતૃત્વમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત કર્ણાવતી શહેર સંગઠન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી ગુજરાત સ્થાપના દિન ૧ મેથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ થશે. જે ૩૧ મે, ૨૦૧૮ સુધી ચાલશે. શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, અમદાવાદ પૂર્વની મધ્યમાં આવેલ ૨૧ કિ.મી લાંબી ખારીકટ કેનાલની સફાઈ તથા ૧૨ તળાવોને સાફ કરી વધુ ઊંડાઈ કરી જળસંચય કરવાનું અભિયાનનો કર્ણાવતી મહાનગરમાં પ્રારંભ થશે. જેમાં અમદાવાદ પૂર્વની કુલ ૭ વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થતી ખારીકટ કેનાલનું સફાઈ અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કર્ણાવતી મહાનગર શહેર સંગઠન સંયુક્ત ઉપક્રમે શરુ થશે. તેની વિશેષ માહિતી આપતા જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, અમદાવાદ પૂર્વ લોકસભાની ૭ વિધાનસભામાં પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગરનું શહેર સંગઠન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન જોડાશે. આ સાથે તમામ નાગરીકોને પણ લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અને જળ બચાવો અભિયાનમાં જોડવા પંચાલે આહવાન કર્યું હતું. રાજ્યના ૫૮માં સ્થાપના દિવસથી શરૂ થઇ રહેલા રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અંતર્ગત રાજ્ય સરકાર જનભાગીદારી દ્વારા રાજ્યની જળ સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. પહેલી મેથી ૩૧મી મે સુધી એટલે કે એક મહિના સુધી આ અભિયાન ચાલશે. આ અભિયાન હેઠળ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યા છે. એકબાજુ મુખ્યમંત્રી રૂપાણી ભરુચના કોસમણી ખાતેથી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લા લાઘણજ ખાતેથી તળાવ ઉંડુ કરવાના કાર્યમાં શ્રમદાન કરશે. અભિયાનમાં મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(8:13 pm IST)