Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

કાળઝાળ ગરમીથી લોકો હવે પરેશાન : જનજીવન ઠપ થયું

ભાવનગરમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો : ભાવનગરમાં પારો ૪૩.૮ : હિટવેવની ચેતવણી જારી ન થઇ હોવા છતાં લોકો કાળઝાળ ગરમીની વચ્ચે સાવધાન

અમદાવાદ, તા.૩૦ : રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં પણ પારો ૪૩ રહ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે પારો ૪૨ અને ૪૩ની વચ્ચે રહ્યો હતો. આજે અમદાવાદ ઉપરાંત ડિસા, ગાંધીનગર, ભાવનગરમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો. સૌથી વધારે ગરમીનો અનુભવ ભાવનગરમાં રહ્યો હતો જ્યાં પારો ૪૩.૮ સુધી પહોંચ્યો હતો. પારો ૪૩થી ઉપર પહોંચતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો કે, હિટવેવ માટેની કોઇ ચેતવણી હજુ પણ જારી કરવામાં આવી નથી.  તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.  હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે. ગરમીથી આવતીકાલે પણ કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે સોમવારના દિવસે લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ........................................................ ૪૩

ડિસા................................................................. ૪૩

ગાંધીનગર........................................................ ૪૩

ઇડર............................................................. ૪૨.૨

વીવીનગર.................................................... ૪૧.૧

વડોદરા......................................................... ૪૧.૩

સુરત................................................................ ૩૩

વલસાડ........................................................ ૩૪.૪

અમરેલી........................................................... ૪૨

ભાવનગર..................................................... ૪૩.૮

રાજકોટ......................................................... ૪૨.૭

સુરેન્દ્રનગર.................................................... ૪૨.૮

ભુજ.............................................................. ૩૯.૬

નલિયા.......................................................... ૩૫.૫

કંડલા એરપોર્ટ................................................ ૪૨.૮

કંડલા પોર્ટ..................................................... ૩૬.૫

મહુવા............................................................... ૩૫

(8:11 pm IST)