Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ચીખલીના ચરી ગામ નજીક દારૂ ભરેલ કારે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા એકનું મોત: મહિલા ઈજાગ્રસ્ત

ચીખલી:તાલુકાના ચરી ગામે દારૃ ભરેલી કારના ચાલકે બાઇક પર સવાર નિવૃત્ત શિક્ષક દંપતિને અડફેટે લેતાં નિવૃત્ત કેળવણી નિરીક્ષકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજા થતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ દારૃ ભરેલી કાર પલ્ટી જતાં લોકો દારૃ લૂંટી ગયા હતા. જ્યારે કાર ચાલક ભાગી છુટયો હતો. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના તલાવચોરા વચલા ફળિયા ખાતે રહેતા નિવૃત્ત કેળવણી નિરીક્ષક જયંતિભાઇ મંગુભાઇ કોળી પટેલ (ઉ.વ. ૬૫) તેમના પત્ની એવા નિવૃત્ત આચાર્યા સવિતાબેન પટેલ (ઉ.વ. ૬૨) સાથે હીરોહોન્ડા સ્પ્લન્ડર (નં.જીજે-૨૧-એલ- ૬૫૬૧) પર વલસાડ તરફથી તલાવચોરા પોતાના ઘરે આવી રહ્યા હતાં. રસ્તામાં ચરી ગામના દેવલા ફળિયા પાસે સવારે ૧૧-૧૫ કલાકના સુમારે બેફામ દોડતી દારૃ ભરેલી એક અર્ટીગા કાર (નં.એમએયુ-૪૮-એસ- ૬૫૫૭)ના ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં જયંતિભાઇ પટેલને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમને આલીપોર ખાતે સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ તબીબી સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સવિતાબેન પટેલને હાથ-પગ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

 

 

(6:38 pm IST)