Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

નડિયાદના સલુણ વાટામાં મધરાત્રે તસ્કરો દાગીના સહીત 37 હજારની મતા લૂંટી રફુચક્કર

નડિયાદ: તાલુકાના સલુણ વાંટા સંતરામ વીલા સોસાયટીમાં મધરાત્રે ચાર અજાણ્યા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. આ લૂંટારુ ટોળકી મકાન માલિકને માર મારી સોનાના દોરા સહિત રૂા. ૩૭,૦૦૦ની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય બે મકાનોના તાળાં તોડ્યા હોવાનું જાણવા મળેલ છે. જેને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.  પોલીસ તંત્ર દ્વારા ચોરી-લૂંટફાટ જેવા ગુનાખોરીના બનાવ અટકાવવા સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે. બીજી બાજુ લૂંટારુ ટોળકી પોલીસને પડકાર ફેંકતી હોય તેમ નડિયાદ તાલુકાના સલુણ વાંટામાં એક જ રાતમાં ત્રણ મકાનોમાં ત્રાટક્યા હતા. જેમાં પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ સલુણ વાંટા સંતરામ વીલા સોસાયટીમાં ભાર્ગવકુમાર જગદિશભાઈ ઠાકર પરિવાર સાથે રહે છે. ગઈકાલે જમી પરવારી તેઓ સૂઈ ગયા હતા.   દરમિયાન ગત તા. ૨૮-૪-૧૮ની રાત્રીના પોણા એક વાગ્યાના સુમારે ચાર અજાણ્યા ઈસમો મકાનના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. આ અજાણ્યા ઈસમોએ મકાનમાં સૂઈ રહેલ ભાર્ગવભાઈ ઠાકરને ડાબી આંખની ઉપર લાકડાની ફાચરો તેમજ ગડદાપાટુ માર મારી ગળામાં પહેરેલ સોનાની ચેઈન અઢી તોલાની રૂા. ૩૦,૦૦૦ તથા કબાટમાં મૂકેલા રોકડા રૂા. ૭૦૦૦ મળી કુલ રૂા. ૩૭,૦૦૦ની મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ત્યારબાદ આ લૂંટારુ ટોળકીએ સોસાયટીમાં આવેલા અન્ય બે મકાનોના તાળાં તોડ્યા હતા. પરંતુ આ મકાનોમાંથી કંઈ ચોરી થઈ ન હતી તેમ જાણવા મળેલ છે. આ બનાવની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લૂંટારુ ટોળકીનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાર્ગવકુમાર જગદિશભાઈ ઠાકરની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી લૂંટારાઓના મળેલા વર્ણનના આધારે તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.

(6:36 pm IST)