Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ગુજરાતે પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને દુનિયાના નકશામાં આગવું સ્થાન અંકિત કર્યુંઃ વિજયભાઇ રૂપાણીઃ દેશ-દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવનાર ૧૭ પ્રતિભાઓનું સન્માન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતની સ્થાપનાથી આજદિન સુધી ગુજરાતે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને વિકાસના નૂતન શિખરો હાંસલ કરી દુનિયાના નકશા પર આગવું સ્થાન અંકિત કર્યું છે.

            દેશ અને દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવનાર વિવિધ ક્ષેત્રની ૧૭ પ્રતિભાઓનું મંતવ્ય ફાઉન્ડેશનના ઉપક્રમે જાહેર સન્માન કરતાં તેમણે જણાવ્યું કે, એવોર્ડ વિજેતાઓના પરિશ્રમ, ગુજરાતીઓના અડીખમ આત્મવિશ્વાસ અને કદી ન ઝૂકવાની ઝુઝારૂ વૃત્તિના કારણે ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રમાં નવા કિર્તિમાનો કંડાર્યા છે.

            મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આગલા દિવસે યોજાયેલા આ અભિનવ કાર્યક્રમમાં ગુજરાતને ગૌરવ અપાવનાર મહાનુભાવોનું સન્માન કરતાં સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે.

            તેમણે કહ્યું કે, સને ૧૯૬૦માં મહારાષ્ટ્રમાંથી જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે ગુજરાત પાસે ખાસ કોઇ ઉદ્યોગો, રોજગાર કે કંઇ વિશેષ ન હતું. ગુજરાતે અલગ રાજ્ય તરીકેની સ્થાપનાથી આજ સુધી ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓને અવસરમાં પલટાવી છે. આજે તો કચ્છ, સાણંદ, બેચરાજી-માંડલ, દહેજ જેવા વિસ્તારો ઊદ્યોગ-વેપારથી ધમધમતા થઇ ગયા છે અને રોજગાર સર્જનની નવી દિશા દર્શાવી રહ્યા છે.

            તેમણે કહ્યું કે, ગુજરાત આજે વિશ્વ માટે રોકાણ માટેનું શ્રેષ્ઠ ડેસ્ટીનેશન બની ચૂક્યું છે. લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી બનેલું ગુજરાત એફ.ડી.આઇ.ના રોકાણમાં અગ્રેસર છે તો કૃષિ ક્ષેત્રમાં પણ ડબલ ડીજીટ જી.ડી.પી. ધરાવે છે.

            પ્રવાસન, શિક્ષણ, સ્વાસ્થ્ય, પશુપાલન સહિત સામાજિક ક્ષેત્રમાં પણ ગુજરાતે નેત્રદિપક કામગીરી કરી છે. વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત લીડરશીપ લઇ નયા ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

            આજે સન્માનિત થયેલા મહાનુભાવોએ પોત-પોતાના કાર્યક્ષેત્રમાં નોંધાપાત્ર કામગીરી કરી છે. આવા ગુજરાતીઓના આત્મવિશ્વાસના સથવારે ગુજરાત હજુ વિકાસના નૂતન શિખરો કંડારશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

            મુખ્ય મંત્રીશ્રીએ આહવાન કર્યું  કે, સૌ સાથે મળી સૌના સાથ - સૌના વિકાસના મંત્રને સાકાર કરી અને જાતિ-જ્ઞાતિના બંધનોથી ઉપર ઉઠીને આપણા ગુજરાતને સમગ્ર દેશની દિશા દર્શન કરનારું રાજ્ય બનાવીએ.

            મંતવ્યના સી.એમ.ડી. શ્રી જીજ્ઞેશ પટેલે સ્વાગત પ્રવચન કરી મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા કરાતા કાર્યોની રૂપરેખા આપી હતી. મંતવ્ય ફાઉન્ડેશનના કાર્યો વિશેની દ્દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ અવસરે રજૂ કરવામાં આવી હતી. મંતવ્ય ચેનલના પદ્મકાંત ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.

            આ સન્માન સમારોહમાં મહેસૂલ મંત્રી શ્રી  કૌશિકભાઇ પટેલ, નાફસ્કોમના શ્રી દિલીપભાઇ સંઘાણી, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી, જી.ટી.પી.એલ.ના શ્રી કનકસિંહ રાણા, ઓ.એન.જી.સી.ના એસેટ મેનેજર શ્રી દેબાશિષ બાસુ, મંતવ્ય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાકેશભાઇ પટેલ, મંતવ્ય ફાઉન્ડેશનના સભ્યો તથા ગુજરાતના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ગૌરવ પુરસ્કાર ૨૦૧૮ મેળવનાર મહાનુભાવોની યાદી

ક્રમ

નામ

કર્મક્ષેત્ર

ડૉ. એચ.એલ.ત્રિવેદી

આરોગ્ય

શ્રી જય વસાવડા

સાહિત્ય

શ્રીમતી કાનુબેન પટેલ

સ્ત્રી સશક્તિકરણ

શ્રીમતી હંસાબેન પટેલ

કોટેજ ઈન્ડસ્ટ્રી

શ્રી કનુભાઈ ટેલર

સમાજ સેવા

શ્રી અનિલ બકેરી

રીયલ એસ્ટેટ

શ્રી આર.એસ.સોઢી

સહકારી ક્ષેત્ર

શ્રી પરિમલ નથવાણી

બીઝનેસ આઈકોન

ડૉ. કે.એલ.મહેતા

ફાર્માસ્યુટીકલ્સ

૧૦

શ્રી કૌતિક શાહ

ઈકો ફ્રેન્ડલી હાઉસીંગ

૧૧

શ્રી રાકેશભાઈ પટેલ

શિક્ષણ ક્ષેત્ર

૧૨

શ્રી અભિષેક દેસાઈ

સ્ટાર્ટ અપ (ક્રિકહિરોઝ)

૧૩

શ્રી પંકજ દાણીધરીયા

મોબાઈલ નેટવર્ક

૧૪

શ્રી જયપ્રકાશ પટેલ

રમત ગમત

૧૫

શ્રી રૂજુલ વોરા

પર્ફોર્મીંગ આર્ટસ

૧૬

શ્રી દિવ્યાંગ ગાંધી

દિવ્ય ઈમીગ્રેશન

૧૭

શ્રી વિરલ જયસ્વાલ

ડિસ્ટન્સ લર્નિંગ સર્વિસ

મુખ્યમંત્રીશ્રીની લાગણીશીલ સહદયતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહમાં શારીરીક રીતે અશક્ત એવા એવોર્ડ વિજેતા કિડની સ્પેશ્યાલિસ્ટ શ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી તથા સૂરતનાં જાણીતા સમાજ સેવાનાં ભેખધારી કનુભાઈ ટેલરને સન્માનીત કરવાં માટે જાતે સ્ટેજ પરથી નીચે ઉતરી આ બન્ને મહાનુભાવેનું લાગણીશીલ સહદયતાથી સન્માન કર્યું હતું.

 

(4:49 pm IST)