Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અમદાવાદમાં તલવારો સાથે અસામાજીક તત્વોનો આતંક

આફતાબ ઉર્ફે અલ્તાફ શેખ અને સરવર કરીમ વચ્ચે તલવાર, લાકડી લઈ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા, મારામારીના દૃશ્યો : બંનેની ધરપકડ

અમદાવાદ, તા.૩૦ : શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગરીબનગરમાં ગત શનિવારે તોફાની તત્ત્વો સામસામે તલવારો લઇને આવી જઇને પથ્થરમારો કરતાં મામલો બીચકયો હતો. જાહેર રોડ પર તોફાન મચાવનાર ટોળા પૈકી પોલીસે ચાર લોકોની ધરપકડ કરીને જામીન પર છોડ્યા હતા.

જામીન પર છુટ્યા બાદ ચારેય આરોપીઓની પોલીસે સીઆરપીસી ૧૫૧ મુજબ અટકાયત કરતાં લોકોનાં ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. તોફાની તત્ત્વો ફરીથી કોઇ માથાકૂટ ના કરે તે માટે તેમની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ગરીબનગરનાં છાપરાંમાં આફતાફ ઉર્ફે અલતાફ અહેમદ શેખ અને સરવર અબ્દુલ કરિમ નામના બે માથાભારે યુવકો રહે છે. બંને યુવકો વિરુદ્ઘમાં અગાઉ અનેક ગુનાઓ દાખલ થયેલા છે ત્યારે તેઓ અગાઉ દારૂનો ધંધો પણ કરતા હતા. ગત શનિવારના દિવસે બંને વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થતા મામલો બીચકયો હતો.

બંને પક્ષે ટોળાં હાથમાં તલવાર અને દંડા લઇને સામસામે આવી ગયા હતાં અને પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાયેલાં ટોળાંઓને વેરવિખેર કર્યાં હતાં. બાપુનગર પોલીસે આ મામલે આફતાફ અને સરવર સહિત આઠ લોકો વિરૂદ્ધમાં ક્રોસ ફરિયાદ નોંધી હતી. જાહેર રોડ પર તંગદિલી ફેલાવનાર આફતાફ અને સરવરની પોલીસે ધરપકડ કરીને જામીન પર મુકત કર્યા હતા.

જામીન પર છુટ્યા બાદ આરોપીઓ ફરીથી માથાકૂટ કરે નહીં તે માટે તેમની સીઆરપીસી ૧૫૧ મુજબ અટકાયત કરીનો લોકઅપમાં રાખ્યા હતા. આફતાફ અને સરવર સહિત પોલીસે ચાર જણને લોકઅપમાં રાખતાં ગઇ કાલે ટોળાંઓએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું હતું.(૩૭.૭)

(2:54 pm IST)