Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સુરત હીરા ઉદ્યોગનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વાગશે

જીજેઈપીસી ચેરમેન દિનેશભાઈ નાવડીયા સહિત સાતને ડીરેકટર પદે પસંદ કરતી કેન્દ્ર સરકારઃ નવા અભ્યાસક્રમો અને નવી તાલીમ માટે માળખુ તૈયાર કરાશે

રાજકોટ, તા. ૨૮ :. ખૂબસુરત સુરત શહેરનો હિરા ઉદ્યોગ હાલ દેશ-વિદેશમાં ખૂબ ખ્યાતી પામ્યો છે ત્યારે હવે સુરત હીરા ઉદ્યોગનો આંતરરાષ્ટ્રીય ડંકો વાગશે. ભારતભરમાંથી સાત ડીરેકટરોની પસંદગી થઈ છે.

હીરા ઉદ્યોગમાં કેરીયર બનાવવા ઈચ્છતા યુવાવર્ગ માટે આદર્શ પુરવાર થઈ રહેલી ઈન્ડીયન ડાયમંડ ઈન્સ્ટીટયુટના વૈશ્વિક સ્તરના ડેવલોપમેન્ટની જવાબદારી સુરતના સાહસિકોને મળી છે. જેમાં આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જીજેઈપીસી રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા સહિત ૭ ડિરેકટરોની નિમણૂક કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સનાં નેજા હેઠળની  કતારગામ જીઆઈડીસી ખાતે કાર્યરત ઈન્ડીયન ડાયમંડ ઈન્સ્ટીટયુટ (આઈડીઆઈ)ને વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપતી સંસ્થા બનાવવાના પ્રયાસ કરવામાં રહ્યા છે. સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર હોય આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ હાલ કરવામાં આવી રહ્યુ છે. જેને વધુ આગળ ધપાવવા માટે શહેરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓને સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિરેકટર તરીકેની નિમણૂક આપી છે.

જેમાં જીજેઈપીસી રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા ઉપરાંત બી. વિરાણીના ચિરાગ વિરાણી, કાર્પ ઈમ્પેકસના કેવલ વિરાણી, લેકસસ સોફટમેકના જનક મિસ્ત્રી, આનંદ ઈન્ટરનેશનલ કંપની સાથે સંકળાયેલા મનીષ જીવાણી, મે. ઓઝોન ડાયમંડના રમેશ ભાલાણી તથા ડો. પરાગ વ્યાસ સહિતના આગેવાનોને ઈન્ડીયન ડાયમંડ ઈન્સ્ટીટયુટના ડિરેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

હીરા ઉદ્યોગપતિ દ્વારા હવે આઈડીઆઈના નવા અભ્યાસક્રમો, નવી તાલીમ વ્યવસ્થા સહિતની બાબતોનું માળખુ તૈયાર કરી આઈડીઆઈને વિકાસશીલ બનાવશે.

(2:54 pm IST)