Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

જલ હૈ તો કલ હૈ... કાલથી રાજ્‍યવ્‍યાપી જળ અભિયાન

રૂપાણી સરકારે પાણીની સંગ્રહશકિત વધારવા વિરાટ કાર્ય હાથ પર લીધુઃ અંકલેશ્વરના કોસમડી તળાવથી શ્રીગણેશ

ગાંધીનગર તા. ૩૦ : મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૧ મેથી જળ અભિયાન શરૂ થશે. આ વખતના જળ અભિયાનમાં જનતા પણ જોડાશે. અને જળ અભિયાનથી પાણીની સમસ્‍યા દૂર કરવાનો આ એક પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યો છે. આવતીકાલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમવડી તળાવથી મુખ્‍યમંત્રી રાજ્‍યવ્‍યાપી અભિયાન શરૂ કરાવશે.

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, આખું રાજય સ્‍થાપનાનાં ગૌરવદિને જળ અભિયાનનો પ્રારંભ કરશે. એક અર્થમાં આ જળ અભિયાન નહીં, પરંતુ પ્રત્‍યેક ગુજરાતી દ્વારા કરાતી જળ આરાધના છે, ત્‍યારે સૌ ગુજરાતીઓ જળ સંચયની સાથે સાથે જળરક્ષાના, પાણી બચાવવાના સંસ્‍કારને પણ સુદૃઢ કરે. આ અભિયાન અંતર્ગત રાજયના તમામ મંત્રીઓ, કેન્‍દ્રિય મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનઓ, સાંસદો અને અન્‍ય મહાનુભાવો રાજયભરમાં જુદા જુદા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવશે.

આ કાર્યક્રમમાં સરકાર અને અનેક સામાજીક સંસ્‍થાઓ જોડાશે. આ અભિયાનમાં ૫૦% કામ સંસ્‍થા અને લોકો ઉપાડે,તો ૫૦% સરકાર ઉપાશે. આ અભિયાનમાં અમદાવાદના આશરે ૧૨ જેટલા તળાવ, ખરીકટ કેનાલ પર કામગીરી હાથ ધરવામાં આવશે. સાથોસાથ વડોદરાના કેટલાક તળાવોમાં પણ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. તો આ તરફી દક્ષિણમાં આવેલ સુરત ખાતે જળકુંભીને યોગ્‍ય રીતે સફાઈ કરવામાં આવશે.

આવતીકાલે ગુજરાતનો સ્‍થાપના દિવસ છે એટલે કે ગુજરાત રાજય મુંબઇમાંથી અલગ પડીને એક અલગ રાજયનો દરજ્જો પામ્‍યું હતું જેની ઉજવણીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. આ સાથે રાજયમાં જળ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. જળ અભિયાનમાં ૩૨ નદીઓ ૫૪૦૦ કિ.મી. લાંબી કેનાલ, ૫૮૦ કિ.મી. લાંબી કાયમી મરામત વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ૩૩ જિલ્લાઓમાં વિવિધ તાલુકામાં ૬૨૬૦ તળાવ - ચેકડેમ ઉંડા ઉતારાશે, ૮૮૬ નવા ચેકડેમોનું નિર્માણ કરાશે.

 

(12:13 pm IST)