Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

એસ.ટી.ના ૧૪ હજારથી વધુ નિવૃત કર્મચારીઓને પગારના પ૦ ટકા પેન્શન આપોઃ નહી તો હાઇકોર્ટમાં જંગ

ર૩ વર્ષે પણ લઘુતમ પેન્શન અપાય છેઃ હાલ કોર્ટમાં જંગ માટે અમદાવાદ ખાતે ફોર્મ ભરવાનું ચાલુ

રાજકોટ તા. ૩૦ :.. એસ.ટી.ના ૧૪ હજાર નિવૃત કર્મચારીઓને સાવ લઘુતમ પેન્શન મળતું હોય એસ. ટી. બોર્ડ જો બે મહીનામાં યોગ્ય નિર્ણય નહિ કરે તો કાનુની જંગ હાઇકોર્ટમાં છેડાશે તેવી ચેતવણી એસ. ટી. નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ ચેતનભાઇ દેસાઇ અને મહામંત્રી કે. કે. દૂધૈયાએ આપી છે.તેમણે ઉમેર્યુ હતું કે ર૦૦૬ થી છઠ્ઠા તેમજ ર૦૧૬ થી સાતમાં પગાર પંચના અમલનો લાભ, એરીયર્સ, ફીકસ પગાર પ્રથા બંધ કરવા સહિતના ૧પ પડતર પ્રશ્ને જો બે માસમાં નિરાકરણ નહીં આવે તો જલદ કાનુન ભંગના કાર્યક્રમની ચીમકી આપવામાં આવી હતી.

એસટી નિગમમાં ૧૯૯પ માં પેન્શન અમલમાં આવેલ. આજે ર૩ વર્ષના વહાણા વહી ગયા છે. તો પણ કેન્દ્રના ધોરણે પેન્શન અપાતું નથી. અધિકારીઓની અજ્ઞાનતાને લીધે નિવૃત થતા કામદારને તેના ભાગની ૩૩ ટકા રકમ પરત આપી દેવાથી આજ સુધી લઘુતમ પેન્શન મળે છે. જેથી એસટીના નિવૃત કર્મચારીઓને કેન્દ્રના ધોરણે છેલ્લા પગારના પ૦ ટકા પેન્શન મળે તે અંગે કોર્ટ કાર્યવાહી ચાલુ કરાઇ છે.

કેન્દ્રના ધોરણે પેન્શન મળે તે અંગે હાઇકોર્ટમાં કાનૂની લડત માટે અમદાવાદ ખાતે એસટીના નવા બસ સ્ટેશન ખાતે એસટીના નવા બસ સ્ટેશન સામે એ વિભાગમાં આઠમે માળે ૮૧૪ નંબરની ઓફીસમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. કર્મચારીઓએ બેંકની પાસ બુક, છેલ્લે મેળવેલ પેન્શનની એન્ટ્રી વગેરે તમામ ડોકયુમેન્ટ રજૂ કરવાના રહેશે. તેમ ઉમેરાયું છે. (પ-ર૦)

(2:47 pm IST)