Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

કાલે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાશે

રાજકોટ તા. ૩૦ : કાલે તા. ૧ મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આ દિવસે વિવિધ કાર્યક્રમો સાથે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા પણ જળ સંચય માટે 'સુજલામ - સુફલામ' જળ અભિયાનનો પ્રારંભ કરાશે.

ખંભાળીયા

ખંભાળીયા : સમગ્ર રાજયના તળાવો ઉંડા કરવા માટે ૧લી મેથી ૩૧મે સુધી સુજલામ સુફલાજ જળ અભિયાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧લી મેના રોજ ભાણવડ નદી દુધેશ્વર મંદિર પાસે નહેર સફાઇનું કામ, ખંભાળીયા ઘી નદી સફાઇનું કામ તથા દ્વારકા ગોમતી નદી સફાઇના કામોથી રાજયના પુર્વ મંત્રીશ્રી ચિમનભાઇ સાપરીયાની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવશે.

આજે કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભીયાનના આયોજન અંગે બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવાના થતા કામોનો માસ્ટર પ્લાન તૈયાર થઇ ગયેલ છે અને એપૃવ પણ થઇ ગયેલ છે. જયાં જયાં તળાવોના કામો કરવાના થશે ત્યાં વન વિભાગ દ્વારા વનીકરણ પણ કરવામાં આવશે. શ્રી રાવલે જણાવ્યું કે દર અઠવાડીએ મહાનુભાવો દ્વારા જિલ્લાના ત્રણ કામોની મુલાકાત લેવામાં આવશે. ૧લી મેના રોજ કરવાના થતા કાર્યક્રમોનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું. આમંત્રણયાદી તૈયાર કરવી, હોર્ડીંગ્સ, પ્રચાર પ્રસિધ્ધિ વગેરે કામગીરી માટે સુચના અપાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા તળાવો ઉંડા કરવાના કામો, હયાત ચેકડેમો ડીસ્લ્ટીંગ, નદીઓની સફાઇ, નદીઓ પુનઃ જીવીત કરવી, ખેત તલાવડી વગેરેના મળી કુલ રૂ.૫૧૧.૨૪ લાખના કામો થવાના છે. જે પૈકી ૩૩.૬૦ લાખના ખર્ચે થનાર ૬૭ કામો લોકભાગીદારીથી કરવામાં આવશે.

આ બેઠકમાં જળ અભિયાનના નોડલ ઓફીસરશ્રી ઘેટીયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, નાયબ કલેકટરશ્રી માંડોત, પ્રાંત અધિકારીશ્રી જોશી, શ્રી જાડેજા તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૪)

(12:07 pm IST)