Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

વડોદરામાં ગ્રાહક કોર્ટે ફ્લેટ ધારકોના મેન્ટેનન્સ નહિ ચુકવતા અમેરિકા સ્થિત બિલ્ડર સામે વોરંટ ઇસ્યુ કર્યું

બિલ્ડરની ધરપકડ કરીને તેને ભારત લાવવાનો અમેરિકાના એમ્બેસેડરને હુકમ કર્યો

વડોદરાઃ બિલ્ડર સામે થયેલી ગ્રાહક કોર્ટમાં ફરિયાદ મામલે દેશમાં પ્રથમ વખત કોઇ બિલ્ડર વિરૂદ્વ અમેરિકામાં વોરંટ ઇસ્યુ કર્યુ છે અને બિલ્ડરની ધરપકડ કરીને તેને ભારત લાવવાનો હુકમ અમેરિકાના એમ્બેસેડરને કર્યો છે. કોર્ટ, અમેરિકા સ્થિત બિલ્ડર તેજસ પટેલને પકડી લાવી 30મી જૂને ગ્રાહક કોર્ટમાં હાજર કરવાનો હુકમ કર્યો છે.
મહત્વનું છે કે, બિલ્ડરે ફલેટ ધારકોના મેન્ટેનન્સના ન ચુકાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. મેન્ટેનન્સના 50 ટકા રૂપિયાની ચૂકવણી બાકી હતી. વૃંદાવન રેસીડેન્સીના બિલ્ડર તેજસ પટેલ સામે ફરિયાદ થઈ હતી. આ મામલે ગ્રાહક કોર્ટે ચૂકાદો આપ્યો છે.

  વડોદરાના ન્યુ સમા કેનાલ રોડ પર એ.સી.પી ડેવલોપર્સ ધ્વારા વૃન્દાવન રેસીડન્સી નામની ફલેટની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. બિલ્ડર તેજસ અંબાલાલ પટેલે 24 ફલેટધારકો પાસેથી મેઈન્ટેનન્સના 12 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ બિલ્ડરે ફલેટધારકોને ફલેટનું પઝેસન આપ્યા બાદ પણ મેઈન્ટેનન્સના રૂપિયા ન ચુકવતા રહીશોએ ગ્રાહક સુરક્ષા ભવનના ટ્રસ્ટી પી.વી.મુરજાણીનો સંપર્ક કર્યો.

  પી.વી.મુરજાણીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી રહીશો તર્ફે ચુકાદો લાવ્યા. જેમાં બિલ્ડરને ગ્રાહક કોર્ટે રહીશોને 12 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ તેમજ શારીરીક માનસિક ત્રાસના 20,000 તથા ફરીયાદ ખર્ચના 10 હજાર ચુકવી આપવા હુકમ કર્યો. જેથી બિલ્ડર તેજસ પટેલે ફલેટધારકોને 8.80 લાખ ચુકવી આપ્યા અને બાકીના 7.28 લાખ રૂપિયા ચુકવ્યા વિના અમેરિકા ભાગી ગયો. જેથી ગ્રાહક કોર્ટે બિલ્ડર વિરુધ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ અમેરિકાના એમ્બેસેટરને ધરપકડ વોરંટ ઈસ્યુ કરી બિલ્ડરને અમેરીકાથી લાવી 30મી જુને ગ્રાહક કોર્ટમાં હાજર કરવાનો હુકમ કર્યો છે.

  વૃન્દાવન રેસીડન્સીમાં રહેતા અને ગ્રાહક કોર્ટમાં ફરીયાદ કરનાર કલ્પેશ ત્રિવેદી કહે છે કે બિલ્ડર પાસેથી જ્યારે તેમને મેઈન્ટેનન્સના રૂપિયા માંગ્યા ત્યારે તેને રહીશોને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બિલ્ડર જે લખે તેના પર સહી કરવા કહ્યું હતું. જો રહીશો સહી કરે તો જ મેઈન્ટેનન્સના રૂપિયા આપીશ તેવી ધમકી બિલ્ડરે આપી હતી. જેથી ફ્લેટધારકોએ કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય કર્યો. હવે ફલેટધારકોને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે.

 દેશમાં પ્રથમ વખત કોઈ બિલ્ડર વિરુધ્ધ ગ્રાહક કોર્ટે અમેરિકામાં વોરંટ ઈસ્યુ કર્યુ છે. બિલ્ડરની ધરપકડ કરી તેને ભારત લાવવાનો હુકમ અમેરિકાના એમ્બેસેટરને કર્યો છે. ત્યારે હવે જોવાનું રહે છે કે ગ્રાહક કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ શું બિલ્ડરની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે કે કેમ.? તે આગામી સમય જ કહેશે.

 

(11:27 pm IST)