Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

બૂટલેગરો દ્વારા કારની બોનેટ અને પાછલા ટાયરની બોડીમાં દારૂ છૂપાવ્‍યો હતો, બોટલો તૂટે નહિ તે માટે ખાસ પ્રકારના મોજાનો ઉપયોગ કર્યો

બૂટલેગરોનાં નવા કિમિયા ...વડોદરા સીપી અનુપમસિંહ ગેહલોતનાં નેતૃત્‍વમાં પીસીબી પીઆઇ શૈલેષ રાતડા ટીમે કારસો નિષ્‍ફળ બનાવ્‍યો

રાજકોટ,  તા.,૩૦:  કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંતર્ગત દારૂની હેરફેર પર કડક કાર્યવાહીનાં આદેશની ચુસ્‍ત અમલવારી થાય તે માટે ટોચના અધિકારીઓને ખાસ મીટીંગ દ્વારા આદેશ આપી તે અંતર્ગત ખાસ રણનીતિ ઘડવાનો વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો નિર્ણય ફરી એક વખત સાર્થક પુરવાર થયેલ છે. વડોદરા પીસીબી પીઆઇ શૈલેષ રાતડા ટીમ દ્વારા કારના બોનેટમાં સંતાડી લઇ જવાતો ૨૦૮ બોટલ દારૂ કબ્‍જે કર્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં ઘણી રસપ્રદ વિગતો ખૂલવા પામી છે.

કારના બોનેટ તથા પાછલા ટાયરની બોડીમાં દારૂ સંતાડેલ  આ દારૂની બોટલ તૂટી ન જાય તે માટે જાડા ઉનનાં મોજા પહેરાવ્‍યા હતા. આમ છતાં પીસીબી ટીમ બુટલેગરથી એક ડગલું આગળ રહી ખાસ બાતમી આધારે કારી ફાવા દીધી ન હતી.

પોલીસને માહીતી મળી હતી કે કરોડીયા રોડ ખાતે રહેતો મોહનસિંગ રણવીરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૂ લાવીને હેરાફેરી કરે છે. કારમાં આગળ બોનેટ તથા પાછળની લાઇટના પડખામાં વિદેશી દારૂ સંતાડેલો છે. છાણી જકાત નાકા રામા કાકાની ડેરી પાસે અમીત મધુસુદન અમીનના ખેતર પાસે ખુલ્લી જગ્‍યામાં ગાડી ઉભી રાખી ગાડીમાં સંતાડેલો દારૂ મોહનસિંગ તથા ચિરાગ રાવળ ગાડીમાંથી દારૂ બહાર કાઢી પ્‍લાસ્‍ટીકની થેલીઓમાં ભરી સગેવગે કરી રહયા છે. જેથી પીઆઇ એસ.ડી.રાતડાની સુચના મુજબ સ્‍ટાફે ઉપરોકત સ્‍થળે રેડ પાડી હતી. કારમાં બોનેટ તથા પાછળના વ્‍હીલની પાછળ સંતાડેલી વિદેશી દારૂની ર૦૮ બોટલ કિંમત રૂપીયા ૧.૩૭ લાખની પોલીસે કબ્‍જે કરી હતી.

પોલીસે દારૂની બોટલો, રોકડા ત્રણ મોબાઇલ ફોન, કાર અને સ્‍કુટર મળીને કુલ રૂપીયા ૭.૧૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે. જયારે મોહનસિંગ રણવીરસિંગ શેખાવત (રહે. અમરનાથ ટેનામેન્‍ટ કરોડીયા બાજવા રોડ) તથા ચિરાગ શૈલેશભાઇ રાવળ (રહે. વ્રજભુમી સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોરવા) ને ઝડપી પાડયા હતા. મોહનસિંગ સામે અગાઉ ૧ર ગુનાઓ નોંધાયા છે. જયારે દારૂ સપ્‍લાય કરનાર સોની નામના વ્‍યકિતને પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યો છે.

(10:56 am IST)