Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અમરોલી બ્રિજ પર 4 વર્ષની બાળકી સાથે આપઘાત કરવા આવેલી પરણીતાને 181 અભ્યમ ટીમે બચાવી

પતિએ ઝઘડો કરીને ચાર વર્ષની બાળકી સાથે ઘરમાંથી કાઢી મુક્યા:આઘાતના કારણે કયાં જવું તે નક્કી કરી શકતા ન હોવાથી બ્રિજ પર આપઘાત કરવાના ઈરાદા સાથે આવી હતી :પતિએ અભયમને ખાત્રી આપી હતી કે હવેથી તેઓ શાંતિથી રહેશે.

સુરત: મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થયેલી 181 અભયમ હેલ્પલાઈને અમરોલી બ્રિજ પર આત્મહત્યાના ઈરાદે આવેલી નિ:સહાય મહિલા અને તેની 4 વર્ષની માસુમ દીકરીની વ્હારે આવી માતાપુત્રીનો જીવ બચાવ્યો હતો.

 મળતી માહિતી પ્રમાણે તા.29મી માર્ચના રોજ એક જાગૃત્ત વ્યક્તિએ 181 અભયમને કોલ કરી જણાવ્યું હતું કે, અમરોલી બ્રિજ પાસે એક ગુમસુમ મહિલા તેના બાળક સાથે થોડા સમયથી ફરી રહી છે, જેની ઓળખ અંગે પૂછતાં કોઈ જવાબ આપતી નથી, જેથી મદદરૂપ થવા વિનંતી કરી હતી. ઉમરા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. જ્યાં આ મહિલા સાથે વાતચીત કરતા તેનું નામ સોનિયાકુમારી (નામ બદલ્યું છે) અને મૂળ બિહારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ આપવીતી જણાવતાં કહ્યું કે, ‘તેના પતિએ ઝઘડો કરીને ચાર વર્ષની બાળકી સાથે ઘરમાંથી કાઢી મુક્યા છે. આઘાતના કારણે કયાં જવું તે નક્કી કરી શકતા ન હોવાથી બ્રિજ પર આપઘાત કરવાના ઈરાદા સાથે આવી છું.

અભયમ ટીમે તેના સાંસારિક જીવન વિષે પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યુ કે, ‘મારા લગ્નને 6 વર્ષ થયા છે અને 4 વર્ષની દિકરી છે. પતિ સુરતમાં એમ્બ્રોઈડરીનું કામ કરે છે. જ્યારે હું બિહારમાં સાસુ-સસરા સાથે રહેતી હતી.’વધુમાં સોનિયાકુમારીએ કહ્યું કે, વતન બિહારમાં આવેલી જમીનની મારા દિયર દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ મેં જમીન આપવાનો ઇન્કાર કર્યો, જેથી દિયરે ઉશ્કેરાઈને ઝઘડો કર્યો અને ધમકી આપી કે મને ગામમાં રહેવાલાયક નહિ રાખે. આટલું જ નહિ, તેણે મારા મોર્ફ કરેલા અશ્લીલ ફોટો મોબાઈલના માધ્યમથી બનાવી બધાને બતાવતા જણાવ્યુ કે તેમની વચ્ચે શારીરિક સંબંધો છે.

આવા પાયાવિહોણા આક્ષેપ કરી દિયરે ગામમાં પંચ ભેગુ કર્યું, જ્યાં પંચે પણ પૂરતી તપાસ કર્યા વિના નિર્ણય લીધો કે આવી બદચલન મહિલાને ગામમાંથી કાઢી મુકવામાં આવે. જેથી હું ગામ છોડી સુરતમાં પતિ સાથે રહેવા આવી ગઈ હતી. આટલેથી ન અટકતા દિયર છેલ્લાં 15 દિવસથી દરરોજ અજાણ્યાં નંબરોથી ફોન કરી હેરાન કરતો હતો, જેથી પતિને શંકા થઇ કે પત્નીના ગામમા અન્ય કોઈ વ્યક્તિ સાથે સબંધ છે. પતિ શંકાશીલ સ્વભાવના કારણે મને ઘરમાં રાખવા ઇચ્છતાં ન હતા, તેના રોજબરોજના ત્રાસના કારણે આખરે કોઈ બીજો વિકલ્પ ન મળતાં 4 વર્ષની દિકરી સાથે આપઘાત કરવાંના ઈરાદે અમરોલી બ્રિજ પાસે આવી હતી.’

અભયમ ટીમે શાંતિપૂર્વક કાઉન્સેલીંગ કરી સોનિયાકુમારીના મનમાંથી આપઘાતના વિચારો દૂર કરવા સમજાવ્યા હતાં. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે, પણ તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. માસુમ બાળકીના જીવનનો પણ વિચાર કરવો જોઈએ આમ સમજાવટથી કામ લેતાં તેને પતિ સાથે રહેવા પ્રોત્સાહિત કરી.

અભયમ દ્વારા સોનિયાકુમારીના પતિને બોલાવીને તેમના નાના ભાઈ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિષે સાચી માહિતી આપી જાગૃત કરાયા અને બધી હકીકતથી રૂબરૂ કરાયા હતા, અને પતિને તેમના ભાઈ સાથે વાત કરી આગળ ક્યારેય હેરાન ન કરવા જણાવ્યું. પતિએ પણ અભયમને ખાત્રી આપી હતી કે હવેથી તેઓ શાંતિથી રહેશે. આમ, અભયમની દરમિયાનગીરીથી એક લાચાર મહિલા અને નાનકડી બાળકીનો જીવ બચ્યો હતો, તેમજ પરિવારનો માળો વિંખાતા બચી ગયો હતો.

(7:10 pm IST)