Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ મહાનગરોમાં મોકૂફ

આઠ મહાનગરો સિવાય અન્ય તમામ કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને શિક્ષણ વિભાગ દ્વારા 12 સાયન્સની પ્રેકિટકલ એક્ઝામને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ બોર્ડ દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે. કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે. આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થવાની હતી. અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાઓમાં આ નિર્ણય લાગુ પડશે. 8 મહાપાલિકા સિવાય તમામ જગ્યાએ પ્રાયોગિક પરીક્ષા લેવાશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2252 કેસ નોંધાયા છે અને 1731 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,86,577 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં સતત કોરોનાનાં કેસોમાં વધારો થતાં શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી શરૂ થનારી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિલ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં મોકૂફ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા નવી તારીખો જાહેર કરવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. સહિત અને અમદાવાદ સહિત રાજ્યના બીજા છ મહાનગરોમાં પણ સંક્રમણ વધવાના કારણે બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

(1:05 pm IST)