Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ચૂંટણી કામગીરી ઓર્ડર મળતા અમ્યુકો કર્મીઓના હોંશ ફિક્કા

ઘણા કર્મીઓની ઓર્ડર રદ કરાવવા દોડધામ : કોર્પોરેશન, સરકારી શાળા, ઈન્કમટેક્સ, એલઆઈસી, બેન્ક, પોસ્ટ, વેટ વગેરેના કર્મીઓને કરાયેલ ચૂંટણી ઓર્ડર

અમદાવાદ, તા.૩૦ : જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી તા. ૨૩ એપ્રિલે અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ) એમ લોકસભાની બે બેઠકની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટનું વિતરણ હાથ ધરાયું છે. આ ઉપરાંત ચૂંટણી સ્ટાફની નિમણૂક માટે વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓને જે તે કર્મચારીની ફાળવણી માટેના ઓર્ડર નીકળી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ૧૦૦૦ કર્મચારીને ચૂંટણીમાં ફરજ બજાવવાના ઓર્ડર મળ્યા હતા, જોકે કેટલાક બહાનાબાજ કર્મચારીઓએ એક અથવા બીજા કારણને આગળ ધરીને ઓર્ડરને રદ કરાવવા દોડધામ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ૧૦૦૦ કર્મચારી-અધિકારીને જે તે પોલિંગ સ્ટેશન પર ચૂંટણીલક્ષી ફરજને લગતા ઓર્ડર મળતાં કેટલાકના હાંેશકોશ ઊડી ગયા છે. ઘરે દીકરી કે દીકરાનાં લગ્નનો માંગલિક પ્રસંગ છે, પત્ની કે માતા-પિતા કે સંતાનો બીમાર પડ્યાં છે અને છેવટે તો પોતે કોઈ બીમારીનો ભોગ બન્યા છે તેવા બહાના હેઠળ ચૂંટણીકાર્યમાંથી પોતાને મુક્તિ આપવી તેવી અરજી લઈને આ લોકો કલેક્ટર કચેરીએ દોડતા થયા છે.બીજી તરફ જિલ્લા ચૂંટણીતંત્ર કહે છે હવે બીએલઓએ કોઈ કામગીરી કરવાની રહેતી નથી. જ્યારે ઉમેદવારીપત્ર ભરવાના પ્રારંભ સાથે ચૂંટણી સ્ટાફની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરીને આ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો સ્પષ્ટ આદેશ ચૂંટણીપંચનો હોઈ આ મામલે તંત્રે કોઈ ઉતાવળ કરી નથી. અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ ૫૬૨૭ પોલીસ સ્ટેશન હોઈ પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસર અને પટાવાળા સહિત પાંચ જણાના સ્ટાફને જોતાં તંત્રને ૨૨ થી ૨૪ હજાર સ્ટાફની જરૂર છે એટલે ગયા ગુરુવારથી કોર્પોરેશન ઉપરાંત સરકારી શાળા, ઈન્કમટેક્સ, એલઆઈસી, બેન્ક, પોસ્ટ, વેટ વગેરે સરકારી-અર્ધસરકારી સંસ્થાઓને પણ ચૂંટણી ઓર્ડર કરાયા છે. ચૂંટણી સ્ટાફ ફરજ પર જોડાયા બાદ તત્કાળ તેમને ટ્રેનિંગ અપાશે. તમામ વિભાગોના કર્મચારીઓ પર ચૂંટણીલક્ષી કામગીરીનો બોજો રહેશે

 

(9:23 pm IST)