Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ભરૂચના આદિવાસી તાલુકામાં ઝેરી કચરો ફેંકનાર ઓલપાડની કેમિકલ કંપનીનું વીજ પુરવઠો કાપી નાખતા પ્લાન્ટ કરાયો બંધ

પાંચથી વધુ વખત ક્લોઝર અપાયું છતાં એક પણ વચનનું પાલન કર્યું નથી

સુરતઃ ભરૂચના આદિવાસી તાલુકામાં સાઇનાઇડના અંશ સાથે ઝેરી કચરો ખુલ્લામાં ફેંકનાર ઓલપાડની હિન્દુસ્થાન કેમિકલ્સ કંપની બંધ થઇ હતી. કચરો ફેંકવા બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને આપેલી ક્લોઝર નોટિસ અનુસાર આજે કંપનીનો વિજ પુરવઠો કાપી નાંખતાં પ્લાન્ટ બંધ થઇ ગયો હતો.


   અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કંપનીને કચરો ફેંકવા બદલ પાંચથી વધુ વખત ક્લોઝર અપાયું હતું. પરંતુ કંપનીએ ક્લોઝર ઉઠાવા માટે આપેલા એક પણ વચનનું પાલન કર્યું નથી. ઉલ્ટાનું ખોટી રજૂઆતો કરીને પ્લાંટ શરૂ કરી દેતી હતી. પરંતુ આ વખતે પોલીસ કેસ થવાની સાથે કચરાના સેમ્પલ પણ મેચ થઇ જતાં હવે કંપની નવી મુશ્કેલીમાં મુકાવા પામી છે. બીજી તરફ ખેડૂત સમાજ દ્વારા પણ હાઇકોર્ટમાં ઇન્ટરવેન્શન અરજી તૈયાર થઇ છે. જેમાં કંપની દ્વારા જૂઠા વાયદાઓ કરાયા હોવાનું જણાવ્યું હતું.

કંપની પાસે અકસ્માત સર્જાય તો સાઇનાઇડના એન્ટી ડોટ પણ પૂરતી માત્રામાં નથી એટલું જ નહીં કંપનીનો કચરો હોવાનું જી.પી.સી.બીના એનાલિસીસ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. અને તેંના આધારે જ એફ.આઇ.આર. દાખલ થઇ હોવાથી કંપની દ્વારા ફરિયાદ ક્વોશ કરવાની અરજી કોઇ પ્રકારે ગ્રાહ્ય રાખી શકાય એમ નથી

(1:46 pm IST)