Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ધરમપુર ચોકડી નજીક હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ કન્ટેનર ઘૂસી જતા અકસ્માતઃ કન્ટેઇનર ચાલકનું મોત

કન્ટેનર ચાલક કેબીનમાં ફસાઈ જતાં લોકો દ્વારા બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ બહાર કાઢી શકાય તે પહેલાં મોત નીપજ્યું હતુઃ અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિકજામ

વલસાડ: ધરમપુર ચોકડી નજીક હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ કન્ટેનર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર ચાલક કેબીનમાં ફસાઈ જતાં લોકો દ્વારા ડ્રાઇવરને બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ બહાર કાઢી શકાય તે પહેલાં મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિકજામના થયો હતો.

વલસાડના અટકપારડી ચોકડી ઓવરબ્રિજના સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપરના રોયલ એનફિલ્ડ શોરૂમ સામે શેરડી ભરેલો ટ્રક (નં. જીજે 16 એક્સ 6350) નેશનલ હાઇવેના પહેલા ટ્રેક ઉપર બંધ પડી ગયો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતો કન્ટેનર (નં.જીજે 15 એટી 9231) હાલોલ ખાતે સામાન ખાલી કરી ભીલાડ પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન કન્ટેનર ચાલકને શેરડી ભરેલો ટ્રક ન દેખાતા કન્ટેનર ચાલકે શેરડી ભરેલા ટ્રકના પાછળ ધડાકાભેર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની ઘટનામાં કન્ટેનર ચાલક કેબીનના સ્ટેરિંગ પાસે દબાઈ જવાથી કન્ટેનર ચાલકને પગ,માથુ તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા કન્ટેનર ચાલકને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરના ચાલક બહાર ન નીકળતા ચાલકનું ઘટના સ્થળે જ કેબિનમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જામ થયેલા ટ્રાફિકને સામાન્ય કરવાનો પ્રયત્ન હાથ ધરાયા હતા. કન્ટેનરના કેબિનમાં ફસાયેલા ચાલકને ક્રેઈનની મદદ વડે કેબીન ખેંચી મોતને ભેટેલા ચાલકને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

(1:07 am IST)