Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આંકલાવની પોસ્ટ ઓફિસમાં ત્રાટકેલ તસ્કરો 22 લાખની રોકડ ચોરી પલાયન થઇ જતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

આણંદ : ત્રણ દિવસ પૂર્વે આંકલાવની હોસ્પિટલ, અનાજ કરિયાણાની દુકાન તથા આઈસ્ક્રીમની દુકાન મળી કુલ પાંચ સ્થળોએ ચોરીને અંજામ આપ્યા બાદ શુક્રવાર રાત્રિના સુમારે તસ્કરોએ આંકલાવની પોસ્ટ ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરો રૂા.૨૨ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. હાલ તો આંકલાવ પોલીસે ડોગ સ્કવોડ તેમજ ફીંગરપ્રીન્ટ નિષ્ણાતની મદદ લઈ તસ્કરોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

આંકલાવ શહેરની સબ પોસ્ટ ઓફિસ હેઠળ છ ગામડાઓની પોસ્ટ ઓફિસો આવેલી છે. આ તમામ પોસ્ટમાં જમા થતી રોકડ રકમ સબ પોસ્ટ ઓફીસમાં મુકવામાં આવે છે. છેલ્લા દોઢેક માસથી આ બ્રાન્ચમાં ગફુરભાઈ આદમભાઈ વ્હોરા (રહે.આણંદ) પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે. ગત શુક્રવારના રોજ ઓફીસમાં આવેલી રૂા.૨૫,૯૯,૦૯૩ની રકમ મેઈન તીજોરીમાં મુકી ઓફીસને તાળુ મારી કર્મચારીઓ ઘરે ગયા હતા. દરમ્યાન રાત્રિના સુમારે તસ્કરોએ આંકલાવની પોસ્ટ ઓફીસને નિશાન બનાવી હતી. તસ્કરો પોસ્ટ ઓફીસના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી રૂા.૨૨,૦૫,૩૪૦ રોકડા લઈ પલાયન થઈ ગયા હતા.  આ બનાવ અંગે પોસ્ટ માસ્તર ગફુરભાઈ વ્હોરાને જાણ થતા તેઓએ આંકલાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી ઘટનાસ્થળે આવેલી પોલીસે ડોગ સ્કવોડ તેમજ ફીંગરપ્રીન્ટ નિષ્ણાંતની મદદ લઈ તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ હાથ ધરી છે.

(7:33 pm IST)